રાજકોટમાંથી 400 કિલો અને અમદાવાદમાંથી 100 કિલોનો જથ્થો મળ્યો
(અમારા
પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા.17 : અમદાવાદમાં સ્ટેટ જીએસટી એ મોટી કાર્યવાહી કરીને
100 કિલો ચાંદીનો જથ્થો પકડી પાડયો છે. સ્ટેટ જીએસટીની ટીમને ચોક્કસ બાતમી મળી હતી
કે અમદાવાદથી રાજકોટ જતી ખાનગી લક્ઝરી બસમાં ચાંદીની ગેરકાયદે હેરાફેરી થઈ રહી છે.
આ બાતમીના આધારે ગીતા મંદિર વિસ્તારમાં વોચ ગોઠવીને એક શંકાસ્પદ શખસને અટકાવવામાં આવ્યો
હતો. તેની પાસેથી કોથળા ભરેલી 100 કિલો ચાંદીનો
જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં પકડાયેલા ચાંદીના કુલ જથ્થામાંથી
80 ટકા જથ્થાનું કોઈ પાકું બિલ, હિસાબ કે કાયદેસરના દસ્તાવેજો મળ્યા નથી. આટલી મોટી
માત્રામાં ચાંદી પકડાઈ હોવા છતાં, હજુ સુધી કોઈ વેપારીએ આ માલ પોતાનો હોવાનો સત્તાવાર
દાવો કર્યો નથી. હાલમાં ગીતા મંદિરથી પકડાયેલી 100 કિલો ચાંદી મામલે સ્ટેટ જીએસટીએ
તપાસ શરૂ કરી છે.
તો
બીજી તરફ, રાજકોટ ઇન્ટરનેશનલ હિરાસર એરપોર્ટ પરથી ચાંદીનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો છે.
અંદાજિત 10 કરોડની કિંમતનો 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો શનિવારના રોજ ઝડપાયો
હતો. સેન્ટ્રલ આઇબીને ચાંદીની હેરાફેરીની બાતમી મળી હતી. સેન્ટ્રલ આઈબી દ્વારા આ ગુજરાત
એટીએસને જાણ કરવામાં આવી હતી. સંયુક્ત ઓપરેશનમાં 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
કબજે કરાયો છે. સમગ્ર મામલે સીજીએસટી તેમજ ઇન્કમટેક્સ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી
શકે છે. ચાંદીનો શંકાસ્પદ જથ્થો શનિવારના રોજ મુંબઈથી રાજકોટ આવી રહેલી એર ઇન્ડિયાના
ફ્લાઇટમાં આવ્યો હતો. કાર્ગોમાં આવેલા સામાનની તપાસ દરમિયાન આ ખુલાસો થયો છે.
સમગ્ર
મામલે તપાસ ગુજરાત એટીએસ દ્વારા કરવામાં આવી રહી હોવાની માહિતી મળી છે. ચાંદીનો શંકાસ્પદ
જથ્થો વારાણસીની પેઢી દ્વારા રાજકોટની પેઢીને મોકલવામાં આવ્યો હતો. ઝડપાયેલ ચાંદીના
જથ્થા મામલે પેઢીનું બિલ, મોકલનાર કોણ છે તે સહિતની બાબતો અંગે તપાસ કરવામાં આવી રહી
છે. ત્રણ શંકાસ્પદ વ્યક્તિને એટીએસને સોંપવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
રાજકોટ
એરપોર્ટ પરથી ચાંદીના જથ્થા અંગે કોઈ માહિતી મળ્યા બાદ આવકવેરા વિભાગને પણ તપાસમાં
જોડવામાં આવશે. વારાણસીથી મુંબઈ અને મુંબઈથી રાજકોટ ચાંદીનો જથ્થો આવ્યો હતો. વારાણસી(કાશી)ની
સનરાઈઝ પેઢીમાંથી ચાંદી મોકલવામાં આવ્યું હોવાની તપાસમાં ખૂલ્યું છે. રાજકોટના સામાંકાંઠા
વિસ્તારના ચાંદીના વેપારીઓનો જથ્થો પહોંચાડવાનો હોવાથી ત્રણ જેટલા વેપારીઓની પૂછપરછ
હાથ ધરાઈ છે. કુરિયર સંચાલકની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. ચાંદીનો જથ્થો જોબ વર્ક
માટે પહોંચાડવાનો હતો ત્યારે અગાઉ આવા વ્યવહારો કેટલી વખત થયા, બાલિંગ પ્રોસેસ બરાબર
થયા છે કે નહીં તે દિશામાં તપાસ શરૂ કરાઈ છે. ચાંદીના જથ્થાના અસલી માલિક કોણ તે દિશામાં
પણ તપાસ શરૂ કરાઈ છે