• શુક્રવાર, 17 એપ્રિલ, 2026

મેટા, ગુગલ, X સહિત વિવિધ સોશિયલ મીડિયાને પાર્ટી બનાવી હાઇકોર્ટની નોટિસ

AI જનરેટેડ ડીપ ફેક વીડિયો અને ફોટાના દુરુપયોગ રોકવા થયેલી જાહેરહિતની અરજી મામલે હાઈકોર્ટે જવાબ આપવા કર્યો આદેશ

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.16: આર્ટિફિશ્યલ ઈન્ટેલીજન્સ (AI) દ્વારા જનરેટેડ ડીપ ફેક વીડિયો અને ફોટાના દુરુપયોગ રોકવા થયેલી જાહેરહિતની અરજીમાં હાઇકોર્ટના ચીફ જાસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જાસ્ટિસ ડી.એન. રેની ખંડપીઠે મેટા, ગુગલ, X, રેડિટ અને ક્રિબડ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મને નોટિસ પાઠવી જવાબ આપવાનો આદેશ કર્યો છે. સાથે જ ખંડપીઠે આ મામલે કેન્દ્રના આઈટી મંત્રાલયના સચિવને પણ જવાબ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. આ કેસની વધુ સુનાવણી 8મેના રોજ કરવામાં આવશે.

અઈં-જનરેટેડ ડીપફેક મટિરિયલ પર અંકુશ મુકવા અંગેની ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરાઈ છે. જેમાં અઈંના દુરુપયોગને રોકવા માટે એક મજબૂત નિયમનકારી માળખાની રચના કરવાની માગ કરવામાં આવી છે. આ મામલે સરકારી ઓથોરિટી અને વિવાદીત મટિરિયલ પોસ્ટ કરનાર વચ્ચે વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્ટરમિડિયરિઝ છે. તેથી હાઇકોર્ટે તેમને નોટિસ પાઠવીને યોગ્ય જવાબ રજૂ કરવા કહ્યું છે. હાઇકોર્ટે 10 એપ્રિલના રોજ પ્લેટફોર્મ્સને નોટિસ જારી કરી હતી. હાઇકોર્ટની ખંડપીઠે આદેશમાં નોંધ્યું છે કે, સોશિયલ મીડિયા  પ્લેટફોર્મ્સનો  અસરકારક અને અર્થપૂર્ણ પ્રતિભાવ કાયદાકીય માળખા હેઠળ તેમના પર લાગુ કરાયેલી જવાબદારીઓ માટે ચાવીરૂપ રહેશે.

  હાઇકોર્ટે વધુમાં એમ પણ નોંધ્યું હતું કે,એવી રજૂઆત કરાઈ છે કે ગેરકાયદે મટિરિયલના વાયરલ થવાના સ્કેલ અને સ્પીડ, ખાસ કરીને અઈં દ્વારા જનરેટ કરેલા ડીપફેક્સ, ઓટોમેટેડ બોટ નેટવર્ક્સ અને એક્રિપ્ટેડ અથવા સેમિ-એનોનિમસ પ્લેટફોર્મ દ્વારા સામે આવતી વિવાદીત સામગ્રી જાહેર વ્યવસ્થા, વ્યક્તિગત અધિકારો, નાણાકીય સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષા માટે નોંધપાત્ર જોખમ સમાન છે. આ જોખમો વધુ જાટિલ બને છે જ્યારે વિવિધ પ્લેટફોર્મ્સ કાયદાકીય પદ્ધતિઓ સાથે સંપૂર્ણ સહકાર આપતા નથી અથવા કાયદેસરના દિશાનિર્દેશોનું પાલન કરવામાં વિલંબ કરે છે.

ખંડપીઠે આદેશમાં એમ પણ નોંધ્યું હતું કે,રાજ્ય સરકાર અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સોગંદનામામાં કરાયેલી દલીલોને ધ્યાનમાં લેતા એવું જણાય છે કે જે મુદ્દાઓ  અમારી સમક્ષ વિચારાધીન છે, તે મૂળભૂત રીતે જાહેરહિતમાં કાયદાના કડક અને સમાન અમલીકરણ વિશે છે. ગૃહ મંત્રાલય તેમજ રાજ્યના પ્રતિવાદીઓ તરફથી પ્લેટફોર્મ્સ દ્વારા કાયદાકીય જોગવાઈઓના અમલીકરણ વિશે ચિંતા પણ દર્શાવવામાં આવી છે.

એડવોકેટ વિકાસ નાયરે અરજદાર તરીકે રિટ કરી છે અને એડવોકેટ અમિત પંચાલે તેમના વતી રજૂઆતો કરી છે. જેમાં એ મતલબના મુદ્દા ઉપસ્થિત કરવામાં આવ્યા છે કે બંધારણીય ઓથોરિટી અને અધિકારીઓને ટાર્ગેટ કરતાં ડીપ ફેક વીડિયોનો ટ્રેન્ડ ખતરનાક રીતે વધી રહ્યો છે. નકલી અઈં-જનરેટ વીડિયો અને ફોટોગ્રાફ્સ બનાવવા અને પ્રસારિત કરવા પણ રિટમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક