• રવિવાર, 22 માર્ચ, 2026

27 માર્ચે રાજકોટમાં ઊડશે વાતોનો ગુલાલ, ફૂલછાબ દ્વારા વિશિષ્ટ ગોષ્ઠિ ‘વહાલના વાવેતર’

જય વસાવડા, દેવકી, સુભાષ ભટ્ટ, નેહલ ગઢવી તુષારિકા એક મંચ પર, શબ્દોને મળશે યુવા ગાયિકા ચૈતાલી છાયાના સૂરનો સથવારો

ધોળકિયા સ્કૂલમાં આયોજન : ત્રણ પેઢીના મનની વાતો કરશે ગુજરાતના ખ્યાતનામ વક્તાઓ

20 વર્ષથી 60 વર્ષના લોકો માટે ખૂલશે વાતોનો ખજાનો

રાજકોટ તા.21: રાજકોટમાં ફૂલછાબ તા. 27 માર્ચે એક વિશિષ્ટ કાર્યક્રમ યોજી રહ્યું છે. ટીન એજથી લઇને તેમના દાદા દાદી બધા જ એકસાથે બેસીને માણી શકે, સાંભળી શકે તેવી આ ગોઠડીને નામ અપાયું છે, વહાલના વાવેતર. 150 રીંગરોડ પર બાલાજી હોલ પાસે આવેલી કે.જી. ધોળકિયા સ્કુલના ઓડિટોરિયમમાં રાત્રે 8.30એ યોજાનાર આ કાર્યક્રમમમાં પ્રવેશ વિનામૂલ્યે છે પરંતુ તેનું રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. આખો પરિવાર સાથે આ કાર્યક્રમ માણી શકશે. ફૂલછાબે સત્વરે કાર્યક્રમમાં નોંધણી કરાવવા અનુરોધ કર્યો છે. તા. 27મી માર્ચ આમ તો વિશ્વ રંગભૂમિ દિવસ છે, આ દિવસે રાજકોટમાં વાતોના, વિચારોના અવનવા રંગોની છોળ ઊડશે. વહાલના વાવેતર કાર્યક્રમમાં જાણીતા ચિંતક- સૂફી વિચાર અને ખલિલ જિબ્રાનના અભ્યાસી સુભાષ ભટ્ટ, વક્તા- લેખક જય વસાવડા, નાટય અભિનેત્રી દેવકી, તુષારિકા રાજ્યગુરુ અને વક્તા નેહલ ગઢવી જેન-ઝી થી જેન-એક્સને ગમે તેવી રસપ્રદ, રસાળ વાતો કરશે. 20 થી લઈને 60 વર્ષની વયની પેઢીનો સંગમ મંચ ઉપર થશે. સાથે જ ચૈતાલી છાયા આ ગોષ્ઠિમાં ગીતોના રંગ પૂરશે.

ફૂલછાબનો આ કાર્યક્રમ તદ્દન વિનામૂલ્યે છે. શક્ય તેટલું વહેલું રજિસ્ટ્રેશન કરાવી લેવું આવશ્યક છે. વિવિધ દેશોમાં જેઓ પોતાની પ્રતિભા-વાણીનો લાભ આપી ચૂક્યા છે તેવા વક્તાઓ એકસાથે એક મંચ ઉપર આવી રહ્યા છે. રાજકોટના યુવાનોમાં આ કાર્યક્રમનો ઉત્સાહ છે. રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક