બઢતી મેળવનારા મહેસૂલી કર્મચારીઓને નિમણૂકના ઓર્ડર સબંધિત કલેકટરો દ્વારા અપાશે
રાજકોટ,તા.21 : રાજ્યના મહેસૂલ
વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળની જિલ્લા કલેકટર કચેરીઓ ખાતે ફરજ બજાવતા 800 મહેસૂલી
કારકુન અને તલાટીઓને નાયબ મામલતદાર વર્ગ-3 તાબાની મહેસૂલી સેવાની જગ્યા પર હંગામી ધોરણે
બઢતી આપવામાં આવી છે. સાથે 80 નાયબ મામલતદારની જિલ્લાફેર બદલી કરવામાં આવી છે. મહેસૂલ
વિભાગ દ્વારા આ કર્મચારીઓના ઓર્ડરો ઈશ્યુ કરી દેવામાં આવ્યા છે.
મહેસૂલી કારકુન અને તલાટી સંવર્ગના
કર્મચારીઓના નાયબ મામલતદાર વર્ગ-3 સંવર્ગમાં વિગતવાર નિમણૂકના હુકમો હવે પછી સબંધિત
કલેકટર દ્વારા કરવામાં આવશે. આ હંગામી બઢતીઓ સબંધિત કર્મચારીઓ સામે કોઈ ખાતાકીય-ફોજદારી
કેસ ચાલુ પડતર, કે સૂચિત ન હોવાની શરતે આપવામાં આવી છે. આ અંગેની સઘન ખરાઈ સબંધિત કલેકટરોએ
કરવા મહેસૂલ વિભાગ દ્વારા તાકીદ કરવામાં આવી છે.
રાજકોટ સહિત રાજ્યના 80 નાયબ
મામલતદારોની જિલ્લા કલેકટર મારફતે મળેલી અરજીઓ આધારે જિલ્લા ફેર બદલીના કિસ્સામાં કર્મચારીઓને
જોઈનીંગ ટાઈમ કે ભાડાભથ્થુ મળવાપાત્ર થશે નહીં. બીજી તરફ વહીવટી જરૂરીયાત અને કર્મચારીઓની
સ્વવિનંતીને ધ્યાને રાખીને 80 નાયબ મામલતદારોની આ જિલ્લા ફેરબદલી કરવામાં આવી છે. ખાસ
કરીને અમદાવાદ અને ગાંધીનગર જેવા મુખ્ય જિલ્લાઓમાં નવી નિમણૂકો અપાઈ છે. મહેસૂલ વિભાગના
સેકશન અધિકારી રવિ પટેલના હુકમ મુજબ સ્વ વિનંતીથી બદલી લેનારા કર્મચારીઓને કોઈ પણ પ્રકારનું
ભાડાભથ્થુ કે જોઈનીંગ ટાઈમ મળશે નહીં. જે કર્મચારીઓ આ બદલીથી સંતુષ્ટ ન હોય તેમણે
2 દિવસમાં વિભાગને રિપોર્ટ કરવાનો રહેશે.