ગેસ સંકટ વચ્ચે હોટલ-રેસ્ટોરાને રાહત આપવાનો કેન્દ્ર સરકારનો નિર્ણય
નવી
દિલ્હી, તા. 21 : કેન્દ્ર સરકારે કોમર્શિયલ એલપીજીની આપૂર્તિ અંગે મોટો નિર્ણય લેતા
રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે ફાળવણી 30 ટકાથી વધારીને 50 ટકા કરી દીધી છે.
પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય અનુસાર આ નિર્ણય 23 માર્ચ 2026થી લાગુ થશે અને
આગામી આદેશ સુધી પ્રભાવિત રહેશે. મંત્રાલયના સચિવ ડો. નીરજ મિત્તલે તમામ રાજ્યો અને
કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને પત્ર લખીને નિર્ણય અંગે જાણકારી આપી હતી.
પત્રમાં
કહેવામાં આવ્યું છે કે વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને વધારાની 20 ટકા એલપીજી આપૂર્તિ
ફાળવવામાં આવી રહી છે. જેનાથી કુલ આપૂર્તિનું સ્તર 50 ટકા સુધી પહોંચી જશે. સરકારે
સ્પષ્ટ કર્યું છે કે આ વધારાની ફાળવણી એવા ક્ષેત્રોને પ્રાથમિકતાના આધારે આપવામાં આવશે
જ્યાં માગ વધારે છે. જેમાં રેસ્ટોરાં, ઢાબા, હોટલ, ઈન્ડસ્ટ્રીયલ કેન્ટીન, ફૂડ પ્રોસેસિંગ
અને ડેરી યુનિટ્સ સામેલ છે.
આ
ઉપરાંત રાજ્ય સરકારો કે સ્થાનિક એકમો દ્વારા સંચાલિત સબ્સિડી ધરાવતી કેન્ટીન અને આઉટલેટ્સ,
કોમ્યીનટિ કિચન, પ્રવાસી શ્રમિકો માટે પાંચ કિલોના સિલિન્ડર પણ પ્રાથમિકતાની યાદીમાં
સામેલ છે. સરકારે નિર્દેશ આપ્યો છે કે એલપીજીના વિતરણમાં કોઈપણ પ્રકારની ગડબડ ન થાય
અને તેના માટે યોગ્ય દેખરેખ સુનિશ્ચિત કરવામાં આવે. આ કદમ એવા સમયે લેવામાં આવ્યું
છે જ્યારે વૈશ્વિક સ્તરે ઊર્જા આપૂર્તિમાં અનિશ્ચિતતા બનેલી છે અને ઘણા ક્ષેત્રમાં
ઈંઘણની માગમાં વધારો થયો છે.