• રવિવાર, 22 માર્ચ, 2026

ગડુ-વિસણવેલની 241 એકર જમીન સરકાર હસ્તક લેવા કલેક્ટરનો આદેશ 99 વર્ષના ભાડા પટ્ટાની જમીનમાં શરતભંગ : ઉદ્યોગના બદલે અન્ય બાંધકામ થયા

જૂનાગઢ : માળિયા હાટીના તાલુકાના ગડુ અને વિસણવેલ ગામની 241 એકરથી વધુ જમીન સરકાર હસ્તક કરવાનો જિલ્લા કલેકટરે આદેશ કર્યો છે. આ જમીન નવાબી શાસન દરમિયાન ઔદ્યોગિક હેતુ માટે 99 વર્ષના ભાડા પટ્ટે આપવામાં આવી હતી. તેમાં શરત ભંગ થયો હોવાનું સામે આવતા કલેક્ટર અનિલ રાણાવસિયાએ જમીનનો કબજો તાત્કાલિક સંભાળી લેવા આદેશ કર્યો છે. 

જૂનાગઢ સ્ટેટના સમયમાં વર્ષ 1943- 44 માં મે. દિલાવર સિન્ડિકેટને ટેનરી ,પોટરી અને પેપર મેન્યુફેક્ચારિંગ જેવા ઉદ્યોગો માટે 99 વર્ષના ભાડા પટ્ટે આ જમીન ફાળવવામાં આવી હતી. બાદ આ જમીનના અધિકારો કાઠિયાવાડ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડને આપવામાં આવ્યા હતા. આ જમીનમાં ગડુ ગામના 26 સર્વે નંબરની 194 એકર 15 ગુઠા અને વિસણવેલ ગામના 13 સર્વે નંબર ની 46 એકર 31 ગુઠા મળી કુલ 241 એકર અને છ ગુઠા જમીનનો સમાવેશ થાય છે. 

આ જમીન પર કોઈ ઔદ્યોગિક પ્રવૃત્તિ થતી ન હતી અને મોટાભાગની જમીન પડતર હતી. તપાસમાં ખુલ્યું હતું કે જમીન પર ઉદ્યોગને બદલે હોટલ, દુકાનનો ,સ્ટાફ ક્વાર્ટર અને અન્ય વાણિજ્ય બાંધકામો ઊભા કરી દેવામાં આવ્યા હતા. આ મામલે મહેસૂલ પંચ અને સિવિલ કોટૅ સુધી લાંબી કાનૂની લડત ચાલી હતી .અંતે કેશોદના પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજની કોર્ટ દ્વારા તા. 1 જાન્યુઆરી 2025 ના રોજ કાઠિયાવાડ ઇન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટરનો દાવો નામંજૂર કરવામાં આવ્યો હતો. 

આ સરકારી જમીનમાં તમામ પાસાઓ અને કોર્ટના હુકમને ધ્યાને લઈ શરતભંગ સ્પષ્ટપણે સાબિત થતો હોવાથી જૂનાગઢ કલેક્ટર કચેરી દ્વારા તા.10 માર્ચના રોજ આખરી હુકમ જાહેર કરી  કલેકટરે માળિયા હાટીના મામલતદારને આ જમીનનો કબજો વિના વળતર અને બિન બોજે તાત્કાલિક સરકાર હસ્તક સંભાળી લેવા આદેશ આપ્યો હતો. પટ્ટેદાર પાસેથી આજદિન સુધીની બાકી રકમ વસૂલ કરી રિપોર્ટ કરવા પણ જણાવ્યું હતું.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક