સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉ. ગુજરાતના અમુક ભાગોમાં હળવા વરસાદની આગાહી
(અમારા
પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,
તા. 21: ગુજરાતના હવામાનમાં હાલમાં બેવડો મિજાજ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં એકતરફ
વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, તો બીજી તરફ ગરમીના પારામાં પણ મોટો ઉછાળો આવવાની શક્યતા
છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે હાલમાં રાજસ્થાન પર
એક ‘સાયક્લોનિક અપર એર સિસ્ટમ’ સક્રિય થઈ છે. આ સિસ્ટમની અસરને કારણે ઉત્તર ગુજરાત
અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 7 દિવસો
દરમિયાન છૂટોછવાયો વરસાદ વરસી શકે છે.
બનાસકાંઠા,
સાબરકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લાઓમાં સામાન્ય વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને
કચ્છ, અમરેલી, ભાવનગર, ગિર સોમનાથ અને દીવમાં પણ હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે. વરસાદી માહોલ હોવા છતાં, રાજ્યમાં ઠંડીનું જોર ઘટશે
અને ગરમી વધશે. હવામાન વિભાગના મતે આગામી 2 દિવસમાં તાપમાનમાં 3થી 5 ડિગ્રીનો વધારો
નોંધાઈ શકે છે.
બીજી
બાજુ હવામાન નિષ્ણાતોએ આગાહી કરતા કહ્યું છે કે 22 માર્ચથી પશ્ચિમી વિક્ષેપ આવશે અને
પશ્વિમી વિક્ષેપથી વરસાદની સંભાવના રહેલી છે, 25 માર્ચ સુધી પશ્ચિમી વિક્ષેપ આવશે અને
26 માર્ચથી દરિયાઈ વિસ્તારમાં પવન ફૂંકાશે અને પવનથી આંબાના પાકને અસર થશે અને ગુજરાત,
રાજસ્થાનના ભાગોમાં વરસાદની શક્યતા રહેલી છે.
તેમણે
વધુ કહ્યું કે 10થી 20 એપ્રિલ વચ્ચે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી થશે અને અરબ સાગરમાં પણ
સાયકલોન આવવાની સંભાવના છે, 11 મેથી 20 મે વચ્ચે આંધીનું પ્રમાણ વધારે રહેશે અને
24 મેથી 4 જૂન વચ્ચે કેટલાંક ભાગમાં વરસાદ પડી શકે છે, 30 તારીખ સુધી વાદળછાયું વાતાવરણ
રહેશે અને જનધનમાં રોગ આવવાની સંભાવના છે, ઊભા કૃષિ પાકોમાં રોગ આવવાની શક્યતા છે અને
એપ્રિલ, મે માસમાં પાકમાં ઇયળ પણ પડશે.