• રવિવાર, 22 માર્ચ, 2026

બે મોઢાની વાત બેનકાબ!

યુદ્ધ સમાપ્તીની વાતું ને અણુમથક ઉપર હુમલા

રેડિએશનનો ખતરો નથી : અમેરિકા અને ઈઝરાયલે આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ કર્યાનો ઈરાનનો આરોપ: ટ્રમ્પે કહ્યું, યુદ્ધનો અંત લાવવાનો વિચાર

નવીદિલ્હી, તા.21: અમેરિકા અને ઈઝરાયલે હવે ઈરાનનાં નતાંઝ પરમાણુ મથક ઉપર હવાઈ હુમલો બોલાવી નાખતા દુનિયામાં ખળભળાટ મચી ગયો છે. ઈરાનની અધિકૃત સમાચાર એજન્સી મિજાનના અહેવાલ અનુસાર આ હવાઈ હુમલાથી અણુમથકમાં કોઈ રેડિએશન લીકેજ - કિરણોત્સર્ગ સ્રાવ થયું નથી. આ હુમલાનાં અહેવાલ વચ્ચે અમેરિકાનાં રાષ્ટ્રપતિ આ યુદ્ધને હવે અંત તરફ લઈ જવા માગતા હોય તેવો સંકેત પણ મળ્યો છે. ખુદ ડોનાલ્ડ   ટ્રમ્પે કહ્યું છે કે, અમેરિકા હવે ધીમેધીમે આ યુદ્ધને સમાપ્ત કરવાનો વિચાર કરી રહ્યું છે.

નતાંઝ ઈરાનું મુખ્ય યુરેનિયમ સંવર્ધન કેન્દ્ર છે અને તહેરાનથી આશરે 220 કિ.મી દૂર દક્ષિણપૂર્વમાં સ્થિત છે. આ અણુ સુવિધા અગાઉ પણ અમેરિકા અને ઈઝરાયલી હુમલાના નિશાને આવી ચૂકી છે. આજના નવા હુમલાને ઈરાને ક્રૂર અને આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ ગણાવ્યો છે.

ઈરાનનાં પરમાણુ ઊર્જા પ્રમુખ મોહમ્મદ ઈસ્લામીએ સંયુક્તરાષ્ટ્રનાં પરમાણુ નિરીક્ષણ સંગઠન(આઇએઇએ)ને પત્ર લખીને આરોપ લગાવ્યો છે કે, નતાંઝ ઉપર બે ઘાતક હુમલા કરવામાં આવ્યા છે. સેટેલાઈટ ઇમેજમાં ખ્યાલ આવે છે કે, નતાંઝનાં પ્રવેશદ્વાર અને કેટલીક ઈમારતોમાં નુકસાન થયું છે. ત્રણ ઈમારત સંપૂર્ણ નષ્ટ થઈ છે. જો કે પ્રમુખ ભૂમિગત સંવર્ધન હોલમાં કોઈ મોટી અસર થઈ નથી અને રેડિયોલોજિકલ ખતરાની આશંકા નથી.

ઈરાનની પરમાણુ સંસ્થાએ પણ સત્તાવાર નિવેદન જારી કરીને અમેરિકા અને ઈઝરાયલના હુમલાની પુષ્ટિ આપી છે. જો કે આમાં કેવા પ્રકારનાં બોમ્બ વપરાયા હતા તે હજી સ્પષ્ટ થયું નથી.

મધ્ય ઈરાનમાં નતાંઝ પણ ઈશ્ફાન અણુમથકની જેમ ચાવીરૂપ પરમાણુ સુવિધા છે. આ યુદ્ધ ઈરાનના પરમાણુ કાર્યક્રમનાં વિવાદથી જ છેડાયેલું છે. અમેરિકા અને ઈઝરાયલ ઈરાનને પરમાણુ શક્તિ બનતા રોકવા માટે જ આક્રમણ કરી રહ્યા છે. ઈશ્ફહાન અણુમથકની આસપાસ વિસ્ફોટના સમાચારો રોજ આવી રહ્યા છે પણ પહેલીવાર હવે નતાંઝ અણુમથક ઉપર પણ હુમલો થયો છે. અમેરિકી સૂત્રોનાં હવાલેથી ઈઝરાયલના મીડિયામાં દાવો કરવામાં આવી રહ્યો છે કે અમેરિકાએ આ હુમલો કરવા માટે પહેલીવાર બંકર બસ્ટર બોમ્બનો ઉપયોગ કર્યો છે.

દરમિયાન ઈરાકમાં રાજધાની બગદાદમાં અમેરિકી સૈન્ય મથક ઉપર ડ્રોનથી હુમલો થયો હતો. જેના હિસાબે ઈમારતમાં ભીષણ આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે. અમેરિકી મીડિયાનાં અહેવાલ અનુસાર ઈરાને હિન્દ મહાસાગરમાં મોજૂદ અમેરિકા અને બ્રિટિશ સૈન્ય મથક ડિએગો ગાર્સિયાને પણ નિશાન બનાવ્યું છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક