• બુધવાર, 04 ફેબ્રુઆરી, 2026

વડોદરામાં સચવાયેલા ભગવાન બુદ્ધના અસ્થિને શ્રીલંકા રવાના કરાયા

પૂજા-મંત્રોચ્ચાર અને ગાર્ડ ઓફ ઓનર સાથે ભગવાન બુદ્ધના અસ્થિ મોકલાયા : ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષોને મુખ્યમંત્રીએ પુષ્પાંજલિ અર્પણ કરી

વડોદરા, તા.3: મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડામાં 1963થી સુરક્ષિત રાખવામાં આવેલા ભગવાન ગૌતમ બુદ્ધના અમૂલ્ય અવશેષોને આજે પહેલીવાર જાહેરમાં સામે લાવવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પવિત્ર અવશેષોના દર્શન કર્યા બાદ મંત્રોચાર સાથે ગાર્ડ અૉફ ઓનર આપીને તેમને ભવ્ય રીતે શ્રીલંકા માટે મોકલ્યા હતા. આ અવશેષોને બુલેટપ્રૂફ કાચમાં મૂકીને વડોદરા એરપોર્ટ લઈ જવામાં આવ્યા હતા, જ્યાંથી તેઓ દિલ્હી અને પછી કોલંબો (શ્રીલંકા) પહોંચશે.

ભગવાન બુદ્ધના અસ્થિ સહિતના આઠમી સદીના આ પવિત્ર અવશેષો મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડામાં સુરક્ષિત રાખવામાં આવ્યા છે અને તેને દિલ્હીથી શ્રીલંકા મોકલવામાં આવશે. તે શ્રીલંકન નૂતન વર્ષે કોલંબો પહોંચશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ષ 2025 દરમિયાનની શ્રીલંકાના પ્રવાસ દરમિયાન ભારત અને શ્રીલંકા વચ્ચે સાંસ્કૃતિક આદાનપ્રદાન વધુ ઘનિષ્ટ કરવા માટે સહમતી સાધવામાં આવી હતી. તે પરિપ્રેક્ષ્યમાં બુદ્ધધર્મની બહુમતી ધરાવતા શ્રીલંકામાં આ અવશેષો તેના નૂતન વર્ષે મોકલવામાં આવી રહ્યા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીના નેતૃત્વમાં ગુજરાતનું પ્રતિનિધિ મંડળ દિલ્હી ખાતેથી આ પવિત્ર અવશેષોને રવાના કરશે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના ચાર પ્રોફેસર પણ કોલંબો જશે. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ યુનિવર્સિટીના સયાજીગંજ કેમ્પસ સ્થિત ડિપાર્મેન્ટ ઓફ આર્કિયોલોજી એન્ડ એન્સીઅન્ટ સ્ટીડીમાં પહોંચ્યા હતા. તેઓ અહીં પહોંચ્યા ત્યારે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી અને મહાનુભાવોએ સંગ્રહાલયની મુલાકાત લીધી હતી. બુદ્ધ સાધુઓ દ્વારા પવિત્ર મંત્રોનું ગાન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેઓ પવિત્ર અવશેષોને સંગ્રહાલયમાંથી બહાર લઇ આવ્યા હતા. આ વિધિમાં બુદ્ધિસ્ટ મોંક મહાબોધી સોસાયટીના સંત આનંદા, વિચિત્તા, ઉગસેન અને પનાતિકા પણ જોડાયા હતા. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વડોદરા શહેર પોલીસની એક ટૂકડી દ્વારા ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષોને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. બાદમાં તેને એક વાહનમાં સુરક્ષિત રીતે રાખી શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ પવિત્ર અવશેષોને ફ્લાઇટ મારફત દિલ્હી મોકલવામાં આવ્યા હતા. 

ભગવાન બુદ્ધના અસ્થિ (એશીસ) સાથેની મંજૂષા, સિલ્કનું વસ્ત્ર સાથેનું પાત્ર, પથ્થરમાંથી બનાવેલા ઢાંકણાવાળા ખડિયા જેવા બોક્સનો આ અવશેષોમાં સમાવેશ થાય છે. આ બોક્સ ઉપર ચાંદી, સોનાના તાર ચઢાવવામાં આવ્યા છે. જેના ઉપર બ્રાહ્મી લિપિ અને સંસ્કૃતમાં દશબલ શરીર નિલય એવું લખાણ વાંચવા મળે છે. જેનો મતલબ થાય છે કે, દશબલ એટલે કે ભગવાન બુદ્ધના અવશેષોનું સ્થાન. 

 

ઇ-પેપરના નવા શુલ્ક