• બુધવાર, 04 ફેબ્રુઆરી, 2026

વૈશ્વિક વેપારમાં ટ્રેડ ડીલ બનશે ભારતનું ટ્રમ્પ કાર્ડ!

ઊંચા ટેરિફનો સામનો કરતાં પાડોશી, પ્રતિસ્પર્ધી અને દુનિયાનાં અનેક વિકસિત અને વિકસતા દેશો સામે ભારતને 18 % ટેરિફ સાથે સરસાઈ

નવી દિલ્હી, તા.3: ભારત અને અમેરિકા વચ્ચે 2 ફેબ્રુઆરીએ થયેલી વેપાર સમજૂતી ભારતીય નિકાસકારો માટે બાજી પલટનારી પુરવાર થવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ સમજૂતી અંતર્ગત અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય ઉત્પાદનો ઉપર લાતા ટેરિફને 50 ટકાથી ઘટાડીને 18 ટકા કરી નાખવાનું એલાન કરી દીધું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્રમ્પની આ ઘોષણાને ઐતિહાસિક પગલું ગણાવીને સ્વાગત કર્યું હતું અને આને 140 કરોડ ભારતીયો માટે ગર્વની ક્ષણ ગણાવી હતી.

ભારત અત્યાર સુધી અમેરિકાનાં 50 ટકા ટેરિફનો સામનો કરી રહ્યું હતું અને તેમાં 25 ટકા ટેરિફ રશિયા પાસેથી ઓઈલ ખરીદવાનાં કારણે દંડાત્મક હતો. ટ્રમ્પે આ ટ્રેડ ડીલનું એલાન કરતાં દાવો કર્યો હતો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાતચીતમાં રશિયાનાં બદલે અમેરિકા અને વેનેઝુએલાથી ઓઈલ ખરીદવા માટે સહમતી દર્શાવી દીધી છે. જેનાં બદલામાં અમેરિકાએ દંડાત્મક 25 ટકા ટેરિફ હટાવવા ઉપરાંત બાકીનાં 25 ટકા ટેરિફને પણ ઘટાડીને 18 ટકા કરી આપ્યો.

આ નવા ટેરિફ દરોનાં કારણે ભારત પાડોશી અને દક્ષિણ-પૂર્વ એશિયાનાં પ્રતિસ્પર્ધી દેશો સામે સરસાઈમાં આવી ગયું છે. ભારતને હવે 18 ટકા ટેરિફનો સામનો કરવો પડશે. તેની સામે મલેશિયા, થાઈલેન્ડ, ઈન્ડેનેશિયા અને પાકિસ્તાન 19 ટકા, બાંગ્લાદેશ, શ્રીલંકા અને વિયતનામ 20 ટકા, જ્યારે ચીન 34 ટકા અમેરિકી ટેરિફનો સામનો કરી રહ્યાં છે. ચીનનાં બાદ કરતાં અન્ય દેશો સામે 1થી 2 ટકા જેટલા ટેરિફનું અંતર પણ ભારતીય નિકાસકારોને કિંમતનાં મોરચે મોટી સરસાઈ આપશે. જેનાં હિસાબે કપડા, સમુદ્રી ખાદ્યચીજો, ઓટો મોબાઈલ અને ઓટો પાર્ટ્સ, કેમિકલ અને એગ્રોકેમિકલ, રત્ન-આભૂષણો સહિતનાં ક્ષેત્રોની નિકાસને પુન:વેગ મળવાની આશા રાખવામાં આવે છે.

વૈશ્વિક પરિદૃશ્ય ઉપર નજર કરવામાં આવે તો ભારતની સ્થિતિ અનેક વિકસિત અને વિકસતા અર્થતંત્ર સામે બહેતર થઈ ગયેલી દેખાય છે. દાખલા તરીકે બ્રાઝિલ 50 ટકા, કેનેડા 35 ટકા, મેક્સિકો 25 ટકા, દક્ષિણ આફ્રિકા 30 ટકા ટેરિફનો સામનો કરે છે અને ભારતની તુલનામાં હવે તેને વધુ વ્યાપારી અવરોધોનો મુકાબલો કરવાનો થઈ શકે છે. હાલ માત્ર જાપાન, દક્ષિણ કોરિયા અને યુરોપીય સંઘ (15 ટકા) અને બ્રિટન (10 ટકા) ટેરિફની બાબતમાં ભારત કરતાં બહેતર સ્થિતિમાં છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક