• બુધવાર, 04 ફેબ્રુઆરી, 2026

ગુજરાતે આપ્યો આર્થિક સદ્ધરતાનો પુરાવો

બજેટના અંદાજ સામે 9 મહિનામાં સરકારની તિજોરી ભરાઈ, હવે બાકીના 3 માસમાં છલકાશે

કુલ આવકના રૂ. 3,32,151 કરોડના અંદાજ સામે 9 માસમાં રૂ. 2,01,631 કરોડ એટલે કે કુલ 61 ટકા આવક થઈ

હૃષિકેશ વ્યાસ

અમદાવાદ, તા.3 : એપ્રિલ-2025થી શરૂ થયેલું ચાલુ નાણાકીય વર્ષ માર્ચ-2026માં પૂરૂ થશે ત્યારે એપ્રિલથી ડિસેમ્બર સુધીના 9 માસના ગુજરાત સરકારના આર્થિક લેખાજોખા (આવક-જાવક) જાહેર કરાયા છે. જેમાં રાજ્ય સરકારના વર્ષ 2025-26ના વાર્ષિક બજેટના દર્શાવાયેલા અંદાજોની સ્થિતિ સામે રાજ્યની આર્થિક સ્થિતિ ખૂબ જ મજબૂત હોવાનું સામે આવ્યું છે. ખાસ કરીને ટેક્સની આવક અને મહેસૂલી પુરાંતમાં નોંધપાત્ર પ્રગતિ જોવા મળી છે. આ 9 મહિનામાં જ ગુજરાત સરકારના ચાલુ બજેટના જાહેર કરાયેલા લક્ષ્યાંક સામે 117 ટકા જેટલી મહેસૂલી પુરાંત મેળવવી એ જ માત્ર ગુજરાતની આર્થિક સદ્ધરતાનો પુરાવો છે. હવે, બાકીના જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ-2026ના છેલ્લા 3 મહિનામાં જો મૂડી ખર્ચ વધારવામાં તો રાજ્યના વિકાસને નવી ગતિ મળશે, તે સ્પષ્ટ થાય છે. 

ગુજરાત સરકારે તેના વર્ષ 2025-26ના ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં વેરાની કુલ આવકો તરીકે કુલ રૂ. 2,07,883 કરોડના લક્ષ્યાંક જાહેર કર્યો હતો તેની સામે માત્ર 9 મહિનામાં જ સરકારને રૂ. 1,47,364 કરોડની ટેક્સની આવક થઈ ચૂકી છે. જે 71 ટકા જેટલી થવા જાય છે. જેમાં, આ 9 માસના અંત સુધીમાં મહેસુલી આવકના રૂ.2,51,553 કરોડના અંદાજ સામે રૂ. 1,72,894 કરોડ અને મૂડી આવકના રૂ.80,597 કરોડના અંદાજ સામે 28,744 કરોડની થયેલી આવક મળીને 9 માસમાં કુલ આવકના રૂ. 3,32,151 કરોડના અંદાજ સામે રૂ.2,01,637 કરોડ એટલે કે કુલ 61 ટકા આવક થઈ છે.

જ્યારે સરકારે બજેટમાં જાહેર કરેલા ખર્ચના રૂ.3,27,330 કરોડના અંદાજ સામે 9 માસમાં રૂ.1,99,108 કરોડ અર્થાત 61 ટકા ખર્ચ કરાયો છે. જેમાં કુલ મહેસૂલી ખર્ચના વાર્ષિક રૂ. 2,31,858 કરોડના અંદાજ સામે રૂ.1,49,850 કરોડ એટલે 65 ટકા મહેસુલી ખર્ચ અને બજેટમાં દર્શાવાયેલા કુલ રૂ.95,472 કરોડના મૂડી ખર્ચ સામે 9 માસમાં 49,259 કરોડ એટલે કે બાવન ટકા મૂડી ખર્ચ મળીને કુલ રૂ. 3,27,330ના બજેટ અંદાજ સામે 9 માસમાં રૂ.1,99,108 કરોડ અર્થાત્ 61 ટકા ખર્ચ થયો છે. 

રાજ્ય સરકારે 2025-26ના બજેટમાં દર્શાવેલી આ વેરાની આવકોમાં સૌથી મહત્વની મનાતી જઋજઝ (સ્ટેટ જીએસટી)ની રૂ.80,5220 કરોડનો અંદાજ રાખ્યો હતો. તેની સામે સરકારને એપ્રિલથી ડિસેમ્બર સુધીના 9 મહિનામાં જ રૂ.53,028 કરોડ એટલે કે અંદાજના 65 ટકા જેટલી આવક થઈ છે. રાજ્ય સરકારે તેના ચાલુ બજેટમાં સ્ટેમ્પ ડ્યુટી અને રજીસ્ટ્રેશન ફીની રૂ.19,800 કરોડની આવકના રાખેલા અંદાજ સામે આ 9 માસમાં 13,212 કરોડ એટલે કે અંદાજના 67 ટકા જેટલી આવક થઈ છે. આ સ્થિતિનો અર્થ એ થાય છે કે, ગુજરાતમાં વેપાર-ધંધા અને રીયલ એસ્ટેટમાં તેજીનો માહોલ છે. 

આ અહેવાલનું સૌથી આકર્ષક અને અતિ-મહત્વનું પાસું એ મહેસૂલી પુરાંત છે. ગુજરાત સરકારે આખા વર્ષ માટે રૂ.19,695 કરોડની પુરાંતનો અંદાજ રાખ્યો હતો પરંતુ ડિસેમ્બરના 9 માસ સુધીમાં જ આ આંકડો રૂ.23,044 કરોડ પર પહોંચી ગયો છે. જે દર્શાવે છે કે રાજ્યની કુલ આવકો તેના કુલ ખર્ચની તુલનાએ અપેક્ષા કરતા વધુ સારી રહી છે. બીજી તરફ, રાજકોષીય ખાધ પણ હજુ અંકુશમાં છે કેમકે સરકારે બજેટમાં રૂ.58,397 કરોડની અંદાજિત ખાધના રાખેલા અંદાજ સામે અત્યારે માત્ર રૂ.28,296 કરોડ અર્થાત 48.45 ટકા સુધી જ ખાધ પહોંચી છે, જે નાણાકીય શિસ્તનો સ્પષ્ટ સંકેત છે.

ઇ-પેપરના નવા શુલ્ક