બોલાચાલી થતા ધોરણ 6ના વિદ્યાર્થીએ છુપી રીતે વોટર બોટલમાં ડામરની ગોળી નાંખી દીધી
અમદાવાદ, તા. 3: અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી દુર્ગા
સ્કૂલમાં ધો.6માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીના પાણીની બોટલમાં ડામરની
ગોળીઓ નાખી દીધી હતી. તેની તબિયત ખરાબ ન થાય તે માટે શાળા સંચાલક દ્વારા બાળકને હોસ્પિટલ
લઇ જવાયો હતો.
મળતી માહિતી અનુસાર દુર્ગા સ્કૂલમાં
ધોરણ. 6માં અભ્યાસ કરનારા બે વિદ્યાર્થી વચ્ચે કોઈ સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી,
જેની અદાવત રાખીને એક વિદ્યાર્થીએ 23 જાન્યુઆરીના રોજ રિસેસ દરમિયાન તક મળતાં જ તેણે
સાથી મિત્રની પાણીની બોટલમાં ઘરેથી લાવેલી ડામરની ગોળીઓ નાખી દીધી હતી.
આ બાબતે ક્લાસરૂમના સીસીટીવી
ફૂટેજ ચેક કર્યા હતા, જેમાં એક વિદ્યાર્થી છૂપી રીતે બીજા વિદ્યાર્થીની બેગ પાસે જઈ
તેની પાણીની બોટલમાં કેમિકલની ગોળીઓ નાખી રહ્યો હતો. આ દૃશ્યો જોઈને સ્કૂલ મેનેજમેન્ટ
અને વાલીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા.
કાયદા અનુસાર આવી બાબત માટે જિલ્લા
શિક્ષણ અધિકારીને તાત્કાલિક જાણ કરવાની હોય છે, પરંતુ આવી કોઈ બાબતે જાણ કરવામાં આવી
નથી, બે દિવસ પહેલાં જ જાણ કરવામાં આવી હોવાનું ધ્યાને આવ્યું છે. આ બાબતે ડીઇઓ રોહિત
ચોધરીએ જણાવ્યું હતું કે દુર્ગા સ્કૂલમાં બાળક દ્વારા રિસેસ દરમિયાન વિદ્યાર્થીની બોટલમાં
કોઈ કેમિકલની ગોળી નાખી દીધી હતી. આ ગંભીર ઘટના બાબતે સ્કૂલ દ્વારા કોઈપણ પ્રકારની
જાણ કરવામાં આવી નથી, જેને લઇને સ્કૂલને શો કોઝ-નોટિસ ફટકારવામાં આવી છે.