• મંગળવાર, 03 ફેબ્રુઆરી, 2026

આવું જૂઠું ચૂંટણીપંચ નથી જોયું ઃ મમતા

- પક્ષનાં પ્રતિનિધિ મંડળ સાથે દિલ્હી જઈ મુખ્ય ચૂંટણી કમિશનરને મળ્યા બાદ મુખ્યમંત્રીના વિરોધ દેખાવો

 

નવી દિલ્હી, તા. 2 ઃ પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારે દિલ્હી પહોંચી જઈને કાળાં કપડાં પહેરી ચૂંટણીપંચ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. મમતાએ પ્રહાર કરતાં કહ્યું હતું કે, આટલી હદે ઉદ્ધત અને જૂઠું ચૂંટણીપંચ અમે કદી નથી જોયું.

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને મળ્યા બાદ તૃણમૂલ સુપ્રીમોએ આરોપ મૂક્યો હતો કે, ભાજપના ઈશારે બંગાળમાં લોકોનાં નામ મતદાર યાદીમાંથી હટાવી દેવાયાં છે.

પક્ષનાં પ્રતિનિધિ મંડળ સાથે ‘સર’ પીડિત લેખાવાયેલા 13   પરિવારના સભ્યોને લઈને દિલ્હી  પહોંચેલા ‘સર’ મુદ્દે જ ચૂંટણીપંચ  વડાની મુલાકાત કરી હતી.

બંગાળના લોકો ચૂંટણીપંચ સમક્ષ પોતાની સમસ્યાઓ ઉઠાવવા આવ્યા છે, પરંતુ તેમને ધમકી દેવાય છે, તેવો આરોપ તેમણે મ્ક્યો હતો.

મમતાએ બંગ ભવન પરિસરની બહાર ભારે પોલીસ તૈનાતી પર પણ સવાલ ઉઠાવ્યો હતો. જો કે, તેમણે કહ્યું હતું કે, હું પોલીસને નહીં, પણ ઉપર બેઠેલા લોકોને દોષી ઠરાવું છું.

ચૂંટણી લોકતંત્રનો તહેવાર છે, પરંતુ પંચે 58 લાખ લોકોનાં નામ હટાવી દીધા અને તેમને બચાવ કરવાની તક ન આપી, તેવો આરોપ બંગાળના મુખ્યમંત્રીએ મૂક્યો હતો.

મમતાએ કહ્યું હતું કે, હું ચાર વાર મંત્રી અને સાત વાર સાંસદ રહી છું, પરંતુ એવા મુખ્ય ચૂંટણી કમિશનર નથી જોયા, જે આટલા ઘમંડી હોય.

 

ઇ-પેપરના નવા શુલ્ક