નવી દિલ્હી, તા.3: ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલની જાહેરાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સીધો આ વેપાર સમજૂતીનો ઉલ્લેખ નહીં કરતાં સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટમાં લખ્યું હતું કે, આત્મવિશ્વાસ એ એવી શક્તિ છે જેના બળે બધું શક્ય બને છે. આ ઉપરાંત ટેરિફ ઘટાડવાની ડોનાલ્ડ ટ્રમ્પની ઘોષણા બાદ મોદીએ ભારતવાસીઓ વતી તેમને ધન્યવાદ પણ પાઠવ્યા હતાં.
મોદીએ સોશિયલ મીડિયામાં લખ્યું
હતું કે, આત્મવિશ્વાસ એવી શક્તિ છે જેના બળે બધું શક્ય બને છે. વિકસિત ભારતના સપનાને
સાકાર કરવામાં દેશવાસીઓની આ જ શક્તિ બહુ કામ આવશે. આ સમજૂતી બાદ રક્ષા મંત્રી રાજનાથ
સિંહ અને ગૃહ મંત્રી અમિત શાહ સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓએ આ નિર્ણયની પ્રશંસા કરી
છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે ભારત-અમેરિકા ડીલને ઊંડા અને વિશાળ આર્થિક સહયોગનો નવો
અધ્યાય ગણાવ્યો હતો અને ઐતિહાસિક વેપાર સમજૂતી કહી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત
શાહે ભારત-અમેરિકા વચ્ચેની ડીલને ઐતિહાસિક ગણાવીને લખ્યું હતું કે, ભારત-અમેરિકાનાં
સંબંધો સંબંધો માટે આ એક મોટો દિવસ છે, કારણ કે ટ્રેડ ડીલ ખૂબ ઓછી 18 ટકા ટેરિફ દરે
પક્કી થઈ છે, જેના કારણે મજબૂત વેપાર સંબંધો અને પરસ્પર વિકાસનો માર્ગ ખુલ્લો થયો છે.