કપાસના ભાવમાં મોટાં ફેરફારો સંભવ નથી
રાજકોટ, અમદાવાદ, સુરત, તા.3
(ફૂલછાબ ન્યૂઝ) : અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે નવી દિલ્હી સાથે લાંબા સમયથી
રાહ જોવાતી હતી તે વેપાર સોદાની જાહેરાત કરી હતી. ભારતીય નિકાસ પર ટેરિફ દર 25 ટકાથી
ઘટાડીને 18 ટકા કરી દેવાયા છે. વધારાની 25 ટકા દંડાત્મક ડયુટીને પણ રદ કરી છે તેનાથી
ટેકસ્ટાઇલ અને યાર્નની નિકાસને મોટો ફાયદો થાય તેમ છે. કપાસના ભાવ પર તેની હકારાત્મક
અસર પડવાની શક્યતા નથી. કપાસના ભાવ અથડાતાં રહેશે. હિરા ઉદ્યોગને પણ લાભ થાય તેમ છે.
કોટન એસોસીએશન ઓફ ઇન્ડિયાના અતુલ
ગણાત્રા કહે છેકે ટેરિફ ઘટવાને લીધે કપાસના ભાવ પર ખાસ અસર આવવાની શક્યતા નથી. આપણા
કપાસ અને રૂના ભાવ આઇસ ફ્યુટર ઉપર ચાલે છે. ત્યાં ભાવ તળિયે છે. આઇસ ફ્યુચર 62.50 સેન્ટ
છે એટલે મોટો ભાવવધારો મુશ્કેલ છે. બીજી તરફ ભારતમાં પાક સારો છે. સ્ટોક સીસીઆઇ અને
ખાનગી હાથોમાં ઘણો સારો છે અને મિલોએ 35-38 લાખ ગાંસડી જેટલી આયાત પણ કરી લીધી છે.
કુલ આયાતનો આંકડો 50 લાખ ગાંસડી સુધી પહોંચે તેમ છે. એ પણ કપાસના ભાવ સ્થિર રાખવાનું
કારણ છે.
જોકે ટેરિફ હળવી થઇ જતા સ્પિનીંગ
મિલો માટે સારો સમય આવશે. ટેરિફને લીધે સ્પિનીંગ મિલો નિકાસમાં પછડાટ ખાઇ રહી હતી.
ભારતનું યાર્ન મોટાંપાયે અમેરિકા જતું હતુ તેમાં હવે ફરીથી રિકવરી જોવા મળશે. ટેક્સટાઇલની
નિકાસ પણ વધશે.