• બુધવાર, 04 ફેબ્રુઆરી, 2026

લોકસભા સ્પીકર પર કાગળો ફેંકાયા : 8 વિપક્ષી સાંસદ સસ્પેન્ડ

રાહુલ ગાંધીના ભાષણ પર સંસદમાં ફરી હંગામો : એક સાંસદે સ્પીકર માટે યાર શબ્દપ્રયોગ કર્યો : રાહુલ ગાંધીના સમર્થનમાં વિપક્ષના અન્ય સાંસદોનો બોલવા ઈનકાર

નવી દિલ્હી તા.3 : લોકસભામાં મંગળવારે રાહુલ ગાંધીના ભાષણ વખતે સતત બીજા દિવસે હંગામો થતાં ગૃહની કામગીરી સ્થગિત કરવી પડી હતી. રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો.

રાહુલ ગાંધીને બોલવા ન દેવાતાં તેમના સમર્થનમાં લોકસભામાં આસન તરફ ધસી જઈ હંગામો કરી કાગળો ઉછાળનારા વિપક્ષના 8 સાંસદ મણિકમ ટાગોર, કિરણ કુમાર રેડ્ડી, પ્રશાંત પાડોલે, હિબી એડન, ડીન કુરિયા કોસે, એસ.વેંકટેશન, ગુરજીત સિંહ ઔજલા, અમરેન્દ્ર સિંહ રા ને આખા સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. રાહુલ ગાંધીએ ગઈકાલના પોતાના નિવેદનનો પુનરોચ્ચાર કરતા કહ્યું કે તેમની વાત ચીન અને પાકિસ્તાન સાથે સંબંધિત રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો છે. તેમણે ફરીથી નરવણેના સંસ્મરણોનો મુદ્દો ઉઠાવ્યો અને આરોપ લગાવ્યો કે તેમને બોલતા અટકાવવામાં આવી રહ્યા છે. તેમણે ચીનનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે પૂર્વી લદ્દાખમાં ભારતીય સૈનિકો માર્યા ગયા છે.

એક સાંસદે અધ્યક્ષને સંબોધીને યાર શબ્દપ્રયોગ કરતાં અધ્યક્ષે ઠપકો આપતા કહ્યું કે આ સંસદ છે. તે સમયે કૃષ્ણ પ્રસાદ ટેનેટી અધ્યક્ષ સ્થાને બેઠા હતા. વિપક્ષના નેતાને બોલવા દેવામાં ન આવતા વિપક્ષી સાંસદો ગુસ્સે ભરાયા. ખુરશીમાં બેઠેલા ટેનેટીએ રાહુલ ગાંધીને બોલતા અટકાવ્યા અને આગામી વક્તા તરીકે સમાજવાદી પાર્ટીના નરેશ ઉત્તમ પટેલનું નામ આપ્યું પરંતુ પટેલે બોલવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ અધ્યક્ષે ટીએમસી અને અન્ય વિપક્ષી પક્ષોના સાંસદોને બોલવા કહ્યું પરંતુ બધાએ ના પાડી હતી. ગૃહમાં ભારે હંગામા વચ્ચે રાહુલ ગાંધીના સમર્થનમાં વિપક્ષી સાંસદોએ વેલમાં ધસી જઈને ખુરશી તરફ કાગળો ફેંક્યા હતા.

 

ઇ-પેપરના નવા શુલ્ક