નવા વર્ષમાં એક પખવાડિયું હોટલ ગેસ્ટહાઉસ ફૂલ
દ્વારકા તા.19: ચાલુ વર્ષે ચોમાસાની
સીઝનમાં રાજ્યમાં સર્વત્ર સારો વરસાદ થયો છે. ત્યારે આગામી દિવાળીના તહેવારોમાં દેશના
પશ્ચિમ છેવાડે આવેલા યાત્રાધામ દ્વારકામાં દિવાળીના મીની વેકેશનમાં હોટલ ગેસ્ટહાઉસમાં
નવા વર્ષમાં ચિકકાર બુકીંગ નોંધાયા હોય યાત્રાધામમાં ભાવિકો તથા સહેલાણીઓની વ્યાપક
ભીડભાડ જોવા મળશે.
શાળાઓમાં દિવાળી વેકેશન હોવાથી
આશરે એક પખવાડિયા સુધી યાત્રાધામ દ્વારકા ઉપરાંત નાગેશ્વર જ્યોતિર્લિંગ, બેટ દ્વારકા,
શિવરાજપુર બ્લ્યુ ફલેગ બીચ, હર્ષદ (ગાંધવી), ગોપી તળાવ વગેરે ધાર્મિક સ્થળો તેમજ પર્યટન
સ્થળો પર વ્યાપક ભીડભાડ જોવા મળશે. આ વર્ષે સુદર્શન સેતુ પણ દર્શનીય સ્થળોમાં સામેલ
થયું છે. ત્યારે સહેલાણીઓ અને મુલાકાતીઓ માટે બેટ દ્વારકા યાત્રા વધુ સુગમ બનવા સાથે
સુદર્શન સેતુની મુલાકાત લેતા જોવા મળશે. આ ઉપરાંત શિયાળાની શરૂઆત થઈ રહી હોય ત્યારે
શિવરાજપુર બીચમાં સ્કૂબા ડાઈવીંગ, બેટ દ્વારકામાં ડોલ્ફીન વ્યુઈંગ વગેરેની પણ સીઝન
આવી રહી છે. ત્યારે સમગ્ર ઓખામંડળમાં આગામી પખવાડિયું યાત્રીકો અને સહેલાણીઓની ભીડભાડવાળું
રહેનાર હોય સ્થાનીય વેપારીઓમાં પણ સારા વેપારની આશા બંધાઈ છે.