• રવિવાર, 19 ઑક્ટોબર, 2025

મોંઘાદાટ સોના-ચાંદીમાં ધનતેરસના શુકન સચવાયા

ઝવેરી બજારમાં ઘરાકોની હલચલ વધી ગઇ : જોકે ગયા વર્ષ જેવી ચમક ન રહી

રાજકોટ, તા.18(ફૂલછાબ ન્યૂઝ) : સોના-ચાંદીની ખરીદી ધનતેરસે શુકનવંતી માનવામાં આવે છે. જોકે પીળી અને સફેદ ધાતુમાં તેજીના એવા શુકન થયા છેકે ખરીદવા ઇચ્છતા લોકોની દિવાળી બગડી છે. બન્ને ધાતુઓ પાછલા વર્ષની ધનતેરસની તુલનાએ સરેરાશ 70 ટકા મોંધી થઇ છે એટલે ઘરાકી 25-30 ટકા વર્ગની જ રહી છે. ઘેર પ્રસંગ ન હોય તો ઝવેરાત ખરીદવાનું લોકો ટાળે છે. ઝવેરાતમાં એ રીતે ધનતેરસે બહુ પરચૂરણ માગ રહી છે, જોકે નાના સિક્કા અને લગડીની માગ થોડી વધારે હતી. ખરેખર તો એકધારી તેજી પછી સોનામાં શનિવારે થોડો ઘટાડો થતા ઘરાકીનો લાભ મળ્યો હતો.

રાજકોટની જૂની સોની બજારમાં ઘરાકીના ટ્રાફિકના નામે ઝીરો જેવી સ્થિતિ હતી. જોકે પેલેસ રોડ, ડો. યાજ્ઞિક રોડ અને પરા વિસ્તારના શોરૂમ-દુકાનોમાં ધનતેરસને લીધે માગ હતી. ગ્રાહકોએ મુહૂર્ત સાચવવા માટે સોનું ખરીદ્યું હોય તેવી પરિસ્થિતિ હતી.

સોનાનો ભાવ ધનતેરસે રૂ. 1,32,500 રહ્યો હતો. ગયા વર્ષે તે રૂ.81,450 હતો. જ્યારે ચાંદીનો ભાવ રૂ.97,500 હતો તે વધીને રૂ.1,65,000 બોલાવા લાગ્યો છે. તેજી 70 ટકા જેટલી રહી છે. ટૂંકાગાળામાં તીવ્ર ભાવવધારો થવાથી લોકો સ્વીકારી શક્યા નથી. ખાસ કરીને મધ્યમ વર્ગને સોનું પોસાય તેવું રહ્યું નથી. ચાંદી સોનાના વિકલ્પે ખરીદાતી પણ સોના કરતા ચાંદી વધારે ઉછળી ગઇ છે.

પેલેસ રોડના એક ઝવેરી કહે છે, 25-30 ટકા જેટલી ઘરાકી વધી છે. આમ બજારમાં સોનાનું વોલ્યૂમ ઓછું ફર્યું છે પણ રૂપિયામાં ટર્નઓવર વધારે દેખાય છે. કારણકે ભાવ 70 ટકા તેજ થયા છે. લોકોએ બુટી, ચૂંક, પેન્ડન્ટ, નાની વીંટી અને પાતળા ચેઇનની ખરીદી કરીને શુભ દિવસની ખરીદીનો સંતોષ માન્યો હતો. જોકે રોકાણકાર વર્ગે 10 ગ્રામ સુધીના બિસ્કીટની ખરીદી કરીને મજૂરી બચાવી હતી. ઘડામણમાં 8થી 25 ટકા સુધીની મજૂરી ચાલી રહી હોવાથી હવે લોકો શુકનમાં નાની લગડી ખરીદવાનું વધારે પસંદ કરવા લાગ્યા છે. મજૂરી ખૂબ મોંઘી પડે છે તેની સામે સિક્કાના ઘડતરનો ખર્ચ એટલો વધારે નથી.

 

ઇ-પેપરના નવા શુલ્ક