ટ્રમ્પ અને તેના સહયોગીઓનું સરમુખત્યાર જેવું વલણ અને નીતિઓ સામે લોકોનો ભારે વિરોધ
વોશિંગ્ટન,
તા. 19 : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પોતાના જ દેશમાં મોટા વિરોધનો સામનો
કરવો પડી રહ્યો છે. ટ્રમ્પ અને તેની ટીમની સરમુખત્યારશાહી સામે ત્રીજું સૌથી મોટું
પ્રદર્શન થયું છે. આયોજકો અનુસાર ટ્રમ્પ સામે પોતાનો ગુસ્સો વ્યક્ત કરવા માટે પુરા
અમેરિકામાં અંદાજીત 2600 જગ્યાએ પ્રદર્શન થયા છે અને તેમાં હજારો લોકો જોડાયા હતા.
ટ્રમ્પ વિરોધી સમુહે આંદોલનને ‘નો કિંગ્સ’
નામ આપ્યું છે. જ્યારે ટ્રમ્પ સમર્થકો તેને હેટ અમેરિકા પ્રદર્શન ગણાવી રહ્યા છે. રિપોર્ટ
અનુસાર અમેરિકામાં ટ્રમ્પ વિરૂદ્ધ અંતિમ મોટું પ્રદર્શન જુન મહિનામાં થયું હતું. ત્યારે
પણ પ્રદર્શનમાં લાખો લોકો એકત્રિત થયા હતા. ત્યારથી લઈને અત્યારસુધીમાં ટ્રમ્પે ઘણા
વિવાદાસ્પદ નિર્ણયો લીધા છે. તેવામાં નો કિંગ્સ આંદોલનમાં પહેલાથી પણ વધારે લોકો જોડાય
તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર વોશિંગ્ટનમાં સડકો ઉપર ઉતરેલા
અમેરિકી નાગરિકોએ કેપિટલ સુધી માર્ચ કરી હતી. રેલીમાં કાર્નિવલ જેવો માહોલ હતો. પ્રદર્શનકારીઓએ
બેનર, અમેરિકી ઝંડા અને ફુગ્ગા સાથે રાખ્યા હતા.
વોશિંગ્ટન
ઉપરાંત ન્યુયોર્ક, બોસ્ટન, શિકાગો અને એટલાન્ટામાં પણ નો કિંગ્સ રેલીમાં ટ્રમ્પના વિરોધમાં
ભારે ભીડ એકત્રિત થઈ હતી.પ્રદર્શનમાં સામેલ લોકોએ કહ્યું હતું કે તેઓ લોકતંત્ર અને
સત્ય માટે રેલીમાં પહોંચ્યા છે. તેઓ સત્તાના કોઈપણ અતિક્રમણના વિરોધમાં છે. પ્રદર્શન
મુદ્દે ટ્રમ્પે પણ એક પ્રતિક્રિયા આપી હતી. જેમાં કહ્યું હતું કે અમુક લોકો રાજા કહી
રહ્યા છે પણ પોતે કોઈ રાજા નથી.