• સોમવાર, 20 ઑક્ટોબર, 2025

વરસાદગ્રસ્ત પ્રથમ વન ડેમાં ભારત સામે ઓસ્ટ્રેલિયાનો 7 વિકેટે વિજય 26-26 ઓવરના મેચમાં ભારતના 9 વિકેટે 136

ઓસ્ટ્રેલિયાએ 21.1 ઓવરમાં સંશોધિત લક્ષ્ય હાંસલ કર્યું

પર્થ, તા.19: વરસાદગ્રસ્ત પ્રથમ વન ડેમાં ભારત સામે ઓસ્ટ્રેલિયાનો ડકવર્થ/લૂઇસ નિયમથી 7 વિકેટે વિજય થયો હતો અને 3 મેચની શ્રેણીમાં 1-0થી આગળ થયું હતું. વારંવારના વરસાદને લીધે મેચ 26-26 ઓવરનો ટૂંકાવવામાં આવ્યો હતો. ભારતે બેટિંગમાં નિસ્તેજ દેખાવ કરીને 26 ઓવરમાં 9 વિકેટે 136 રન કર્યા હતા. 7 મહિના પછી વાપસી કરનાર રોહિત શર્મા (8) અને વિરાટ કોહલી (0) નિષ્ફળ રહ્યા હતા. કેએલ રાહુલે 38 અને અક્ષર પટેલે 31 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાને 26 ઓવરમાં 131 રનનો સંશોધિક વિજય લક્ષ્યાંક મળ્યો હતો. જે તેણે 21 દડા બાકી રાખીને 3 વિકેટ ગુમાવીને 21.1 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. કાંગારૂ કપ્તાન મિચેલ માર્શ પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. તેણે બાવન દડામાં 2 ચોક્કા અને 3 છક્કાથી 46 રનની અણનમ ઇનિંગ રમી હતી.

પર્થની ઉછાળવાળી પીચ પર ભારતની શરૂઆત ખરાબ રહી હતી. સ્ટાર રોહિત 8 રન જ કરી શક્યો હતો જ્યારે કોહલી 8 દડાનો સામનો કરી ખાતું ખોલાવ્યા વિના પાછો ફર્યોં હતો. કપ્તાન શુભમન ગિલ 10, શ્રેયસ અય્યર 11 રને આઉટ થયા હતા. 4પ રનમાં 4 વિકેટ પછી અક્ષર-રાહુલ વચ્ચે 40 દડામાં 39 રનની ભાગીદારી થઇ હતી. અક્ષરે 38 દડામાં 3 ચોક્કાથી 31 અને રાહુલે 31 દડામાં 2 ચોક્કા-2 છક્કાથી 38 રન કર્યાં હતા. નીતિશ રેડ્ડી પદાપર્ણ વન ડેમાં 2 છક્કાથી 19 રને નોટઆઉટ રહ્યો હતો. સુંદરે 10 રનનો સહયોગ આપ્યો હતો. આથી ભારતના 26 ઓવરમાં 9 વિકેટે 136 રન થયા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી હેઝલવૂડ, મિચેલ ઓવેન અને મેથ્યૂ કુહેમેને 2-2 વિકેટ લીધી હતી. આ પછી ઓસ્ટ્રેલિયાએ કેપ્ટન મિચેલ માર્શના 46, જોશ ફિલિપના 37 અને મેટ રેનશોના અણનમ 21 રનની મદદથી 3 વિકેટે 131 રની 7 વિકેટે જીત નોંધાવી હતી. ભારત તરફથી અર્શદીપ, અક્ષર અને સુંદરને 1-1 વિકેટ મળી હતી.

ભારતની વર્ષ-2025માં આ પહેલી વન-ડે હાર છે. સતત આઠ મેચનો વિજયક્રમ આજે તુટયો છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક