• સોમવાર, 20 ઑક્ટોબર, 2025

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી પર હાઇ કોર્ટનો સ્ટે ઓર્ડર

સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓને મતાધિકાર અને સભ્યપદ મળવું જરૂરી : 20 નવેમ્બર સુધી ચૂંટણી પ્રક્રિયા સ્થગિત

પોરબંદર તા.19: હાઇ કોર્ટમાં રૂરલ ક્રિકેટ એસોસિએશન ઓફ પોરબંદર દ્વારા દાખલ કરાયેલી પિટિશન પર મહત્વપૂર્ણ સુનાવણી બાદ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની આવનારી નવેમ્બર મહિનાની ચૂંટણી પર હાઇકોર્ટએ તા.20 નવેમ્બર સુધી હંગામી સ્ટે ઓર્ડર જાહેર કર્યો છે. રૂરલ એસોસિએશનની દલીલ મુજબ સૌરાષ્ટ્રના દરેક જિલ્લાની ક્રિકેટ એસોસિએશનને મતાધિકાર તથા પ્રતિનિધિત્વ મળવું જોઈએ, તેમજ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા ફાળવાતી કરોડો રૂપિયાની ગ્રાન્ટ જિલ્લા સ્તરે ક્રિકેટના વિકાસ માટે વાપરવી જોઈએ.

ગુજરાત રાજ્ય હાઇકોર્ટના જજ નિરલ મહેતાની કોર્ટમાં રૂરલ ક્રિકેટ એસોસિએશન ઓફ પોરબંદર દ્વારા જે પિટિશન દાખલ કરવામાં આવેલી છે. જેના મુખ્ય મુદ્દા સૌરાષ્ટ્રના દરેક જિલ્લા ક્રિકેટ એસોસિએશનને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીમાં મત આપવાનો અધિકાર મળે અને મેમ્બરશીપ મળે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં દરેક જિલ્લા ક્રિકેટ એસોસિએશનને પ્રતિનિધિત્વ મળવું જોઈએ. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા સૌરાષ્ટ્રની અંદર જિલ્લા સ્તરે જે ક્રિકેટનો વિકાસ કરવાનો હોય છે તેના માટે દર વર્ષે 100 કરોડ કરતા પણ વધારે રૂપિયા ફાળવવામાં આવે છે આ તમામ ફંડને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા ફિક્સ ડિપોઝિટ કરીને બેંકની અંદર રાખવામાં આવે છે જે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના નિયમની વિરૂદ્ધ છે, તો આ આવતું ફંડ દરેક સૌરાષ્ટ્રના જિલ્લાને ક્રિકેટની રમતને આગળ વધારવા માટે ફાળવવી જોઈએ. ઉપરોક્ત મુદ્દાને હાઇકોર્ટના જજ  નિરલ મહેતાની કોર્ટમાં બંને પક્ષકારો દ્વારા સાંભળવામાં આવેલા અને તા.15 ઓક્ટોબરના રોજ જજ દ્વારા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના આગામી નવેમ્બર મહિનામાં આવનારી ચૂંટણી ઉપર આગામી તા.20/11 સુધી હંગામી “સ્ટે ઓર્ડર“ આપવામાં આવ્યો છે. રૂરલ ક્રિકેટ એસોસિએશન ઓફ પોરબંદર દ્વારા કરવામાં આવેલી પીટીસન હવે પછી તા.20/11ના આગળ ચાલશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક