હેલીના ધૂમકેતુનો વારસો ઓક્ટોબરના આકાશને ઝળહળતો કરશે
ભુજ, તા. 18:
આકાશ દર્શનના શોખીનો માટે એક અદ્ભુત
અવસર આવી રહ્યો છે, કારણ કે હેલીના ધૂમકેતુ દ્વારા છોડવામાં આવેલી તેની પૂંછડીની રજ
આ મહિને પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશીને સવારના આકાશને ઝળહળતું કરશે. આ પ્રખ્યાત ઓરિઓનિડ
ઉલ્કાવર્ષા 20-21 ઓક્ટોબરની રાત્રિએ તેની ચરમસીમાએ પહોંચશે. આ વર્ષે, ચંદ્ર લગભગ સંપૂર્ણપણે
અદ્રશ્ય હોવાથી, આકાશી નજારો જોવા માટેની પરિસ્થિતિઓ અત્યંત આદર્શ છે, જે ચંદ્રપ્રકાશની
સહેજ પણ દખલગીરી વિના એક અવિસ્મરણીય અનુભવ પ્રદાન કરશે.
આ બાબતે સ્ટારગેજીંગ ઈન્ડિયાના નરેન્દ્ર ગોર સાગર
જણાવે છે કે ઉલ્કાવર્ષા નિહાળવા માટે સૌથી શ્રેષ્ઠ સમય 20 ઓક્ટોબરની મધ્યરાત્રિ બાદ
2 વાગ્યાથી 21 ઓક્ટોબરની વહેલી સવાર સુધીનો છે. આ સમયગાળા દરમિયાન, ઉલ્કાઓનું ઉદ્ભવ
બિંદુ (રેડિયન્ટ) દક્ષિણ આકાશમાં ઊંચે હશે, જેના કારણે તમને વધુમાં વધુ ઉલ્કાઓ જોવાની
તક મળશે. શહેરના પ્રકાશથી દૂર, અંધારાવાળા સ્થળેથી અવલોકન કરનારાઓ દર કલાકે લગભગ
20 જેટલી ઝડપી અને આકર્ષક ઉલ્કાઓ જોઈ શકશે. આ વખતે કાળી ચૌદસની રાત હોઇ ચંદ્રની ગેરહાજરીને
કારણે આકાશ દર્શન તેમજ ઉલ્કા દર્શન માટે આ સારી રાત છે.
થોડી વાત મૃગમંડળ વિષે કરીએ તો
ગુજરાતમાં હરણું અને અંગ્રેજીમાં ઓરાયન (શિકારી) તરીકે ઓળખાતું આ તારામંડળ બહુ જાણીતું
અને તરત જ ઓળખાઈ જાય તેવું છે. રાત્રે એક વાગ્યા બાદ પૂર્વ દક્ષિણ બાજુ ચાર તારાનો
લંબચોરસ અને વચ્ચે ત્રણ તારાથી બનતું ત્રિકાંડ બાણ તરત જ ધ્યાન ખેંચશે. હરણના ચાર પગ
પૈકી એક પગ એટલે કે આદ્રા નક્ષત્ર બેટલજ્યૂસ ના લાલ તારાથી પૂર્વ તરફ ઉલ્કા વર્ષાનું
ઉદગમ બિંદુ છે. પરંતુ આપણે એ તારા તરફ નહીં પણ તેની આજુ બાજુ જોવાનું છે. એવું લાગશે
કે ક્ષણિક ઝબકાર કરી ઉલ્કાઓ શિકારીના ઉપર ઉઠેલા હાથમાંથી નીકળતી હોય તેવું લાગશે.