• બુધવાર, 01 મે, 2024

સારા ચોમાસાનું અનુમાન અને આપણી જવાબદારી

આ વર્ષે ચોમાસું સામાન્ય કરતાં સારું રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. લા-નિનોની સ્થિતિ સાનુકૂળ રહેતાં આ સ્થિતિ સર્જાશે એમ જણાવતાં વિભાગે જણાવ્યું છે કે મોસમી વરસાદ ‘સામાન્યથી વધુ’ રહેશે અને તે લાંબા ગાળાની સરેરાશ 87 સેમીના 106 ટકા જેટલો થવાનો અંદાજ છે.

ચઢતા પારા વચ્ચે હવામાન વિભાગનું અનુમાન ખુશ કરનારું છે. પહેલાં ખાનગી એજન્સી સ્કાઈમેટ અને હવે ભારતીય હવામાન વિભાગે સારા ચોમાસાની ભવિષ્યવાણી કરીને આમઆદમીમાં આશાનું કિરણ જગાવ્યું છે. દેશના અર્થતંત્રમાં કૃષિનું યોગદાન ખૂબ રહ્યું છે. સારો વરસાદ થશે તો પાક પણ સારો થશે, જેનાથી અર્થતંત્રમાં સુધાર થશે. એકસો ચાલીસ કરોડની વસ્તીવાળા આ દેશમાં આજે પણ જીવિકોપાર્જન માટે કૃષિ સૌથી મોટો સહારો છે. હવામાન વિભાગની આ ભવિષ્યવાણી ખુશીની તક તો આપે છે, સાથોસાથ એક નવી જવાબદારી પણ આપે છે સરકાર અને સામાજિક સંગઠનોને  પણ. આમઆદમીની પણ જવાબદારી એ છે કે પાણી ફક્ત સંગ્રહિત કરી શકાય છે. પ્રકૃતિ ચોમાસાના રૂપમાં આપણા પર મહેરબાન થતી હોય છે તો આપણી પણ જવાબદારી બને છે કે આપણે તેનું સારી રીતે સ્વાગત કરીએ. પાણી વ્યર્થ ન વહાવીએ અને વરસાદનાં પાણીને સંગ્રહિત કરવામાં પણ આપણી ભાગીદારી નિભાવીએ. દેશમાં લાંબા સમયથી પાણી સંગ્રહ માટે અલગ અલગ રાજ્યોમાં અનેક યોજનાઓ ચાલી રહી છે જેના પર કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે. આવી કેટલીક યોજનાનો લાભ ન સરકાર લઈ શકે છે અને ન તો આમજનતા. આવશ્યકતા આજે તેને ઓળખવાની છે. દેશ અમૃતકાળનો મહોત્સવ મનાવી ચૂક્યો છે.

જો બધા ભેગા મળીને નિશ્ચય કરે કે વરસાદનાં પાણીનું એક એક ટીપું બચાવીને ભવિષ્યને સોનેરી બનાવી શકાય છે. સામાન્ય ચોમાસાથી બહેતર ચોમાસાનો અર્થ સ્પષ્ટ છે કે પ્રકૃતિ આ વેળા મન મૂકીને વરસવાની છે. આપણે સૌએ પોતે પોતાની જવાબદારી નિભાવવી રહી. નદીઓ જોડવાના અભિયાનને પણ ગતિ આપવાનો સર્વોત્તમ સમય હોય શકે છે. દેશના અનેક વિસ્તારોમાં ભૂજળનો સ્તર રસાતલમાં જઈ ચૂક્યો છે. અંધાધૂંધ પાણીનો વેડફાટ નવી સમસ્યાઓ ઊભી કરી રહ્યો છે. આવામાં આવશ્યક્તા છે કે પાણીની મહત્તાને ન ફક્ત સમજવામાં આવે, પણ તેનો અમલ પણ કરવામાં આવે, ત્યારે જ સારું ચોમાસું સાબિત થઈ શકશે.

ઇ-પેપરના નવા શુલ્ક