• શુક્રવાર, 17 મે, 2024

ઓછી ટકાવારી, શાંતિપૂર્ણ મતદાન

લોકસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનની  ટકાવારી પહેલા તબક્કા કરતાં ઓછી હોવાથી ચિંતાનો વિષય છે. મતદાન શાંતિપૂર્ણ રહ્યું તે સંતોષની વાત છે. કુલ મળીને બીજા તબક્કામાં 88 મતદાર ક્ષેત્રોના 1202 ઉમેદવારોનું ભાગ્ય ઈવીએમમાં બંધ થઈ ચૂક્યું છે. ખાસ વાત એ છે કે આ તબક્કામાં કુલ 15.88 કરોડ મતદારોમાંથી 3.28 કરોડ યુવાન મતદારો છે અને તેમાં પણ 34 લાખ યુવાનોને પ્રથમ વેળા મતદાન કરવાની તક મળી છે. કેટલા યુવાનોએ આગળ આવીને મતદાન કર્યું તેનો આંકડો હવે પછી જાણવા મળે છે પણ આ ચૂંટણીમાં તમામ પક્ષોને યુવાન મતદારોના સમર્થનની આશા છે.

પહેલા તબક્કામાં ઓછા મતદાનની ચર્ચા ઘણી થઈ છે અને હાર-જીતના આકલનના પ્રયાસ પણ થયા છે. પણ ઓછા કે  વધારે મતદાનના ક્યારેય ચોક્કસ રિઝલ્ટ નથી આવતાં. અંત: ચૂંટણી નિષ્ણાતોનો ભાર હાર-જીતની ચર્ચાને બદલે મતદાન વધારવા પર હોવો જોઈએ. મતદાનમાં વધુને વધુ ભાગીદારી લોકતંત્રને શક્તિશાળી બનાવે છે અને નેતાઓને પણ સતર્ક કરે છે કે તેઓ વધારે અને વધારે મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ કરે.

આગલા તબક્કાનું મતદાન સાતમી મેએ થશે. ચૂંટણી પંચે તારીખોનો નિર્ણય લેતાં બરાબર દસ દિવસોનું અંતર રાખ્યું છે અને આ મતદાનના તબક્કાઓ વચ્ચે સર્વાધિક અંતર છે. આટલા અંતરનો લાભ ત્યારે ગણાય જ્યારે ઓછામાં ઓછા 70 ટકાની આસપાસ મતદારોને મતદાન કેન્દ્ર સુધી પહોંચાડી શકાય. બે તબક્કા વચ્ચે વધુ સમયગાળો રાખવાથી મતદાન વધે કે ઘટે છે તેનો અભ્યાસ ચૂંટણી પંચ કરશે. ચૂંટણી પંચના હવે પછીના નિર્ણયો પર આની અસર પડવી જોઈએ.

 લોકશાહીના આ ભવ્ય પર્વને સાંગોપાંગ પાર કરવા ચૂંટણી પંચ અને પોલિંગ સ્ટાફ જહેમત ઉઠાવી રહ્યાં છે. તેઓ ચૂંટણી પ્રક્રિયાની કરોડરજ્જુ છે અને તેમની પ્રતિબદ્ધતા, સમર્પણ અને સખત મહેનત સુનિશ્ચિત કરે છે કે ચૂંટણી નિષ્પક્ષ, મુક્ત અને પારદર્શક બને. પોલિંગ સ્ટાફ મતદાન કેન્દ્ર ઊભું કરવાથી મતદાન પછીની પ્રક્રિયા દરમિયાન કલાકો સુધી કામ કરે છે, તેમનું સમર્પણ પ્રશંસનીય છે. આશા રાખીએ કે જે રીતે ચૂંટણીના તબક્કા છૂટાછવાયા બનાવો છતાં શાંતિપૂર્ણ રીતે પાર પડયા છે એવી જ રીતે બાકીના તબક્કા પાર પડશે.

ઇ-પેપરના નવા શુલ્ક