ગુજરાતમાં
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આગામી રવિવારે છે. રાજ્યમાં ક્યાંય ચૂંટણી સંદર્ભનો ઉત્સાહ
તો ઠીક સામાન્ય વાતાવરણ પણ બંધાયું નથી. પ્રશાસન પોતાની રીતે તૈયારી કરી રહ્યું છે.
મતદારોમાં અને રાજકીય પક્ષોમાં ઉત્સાહ ઓછો છે. ચૂંટણી સમયે શરૂ થઈ જતાં રસોડાં, નેતાઓની
જાહેરસભા જેવું આ વખતે કંઈ દેખાઈ રહ્યું નથી. લોકસંપર્કમાં જતા ઉમેદવારોને પ્રતિસાદ
નથી મળતો. સુરત, રાજકોટ સહિતના શહેરોના કેટલાક વિસ્તારમાં તો એવું કહેવાયું કે પાંચ
વર્ષ દેખાતા નથી અત્યારે શું આવો છો, અહેવાલ છે કે અમદાવાદમાં ભાજપના એક ઉમેદવારને
કોઈ નાગરિકે તમાચો મારી દીધો. સૌરાષ્ટ્રના સાવરકુંડલામાં વેપારીઓએ રવિવાર-મતદાનના દિવસ
સુધી વેપાર-ધંધા બંધ રાખવાનું એલાન કર્યું છે.
15
મહાનગરપાલિકા, 84 નગરપાલિકામાં મતદાન છે. શહેર અને ગ્રામ્ય બન્ને વિસ્તારોને આ મતદાન
સાથે સંબંધ છે પરંતુ ક્યાંય કોઈ સંચાર નથી. ચૂંટણી અગાઉ થતી ત્યારે બિનરાજકીય લોકો
પણ રંગમાં આવી જતા. ઉમેદવારોના સામૈયાં થતાં, તેમની સાથે શેરીના યુવકો ફરતા. આવું કશું
નથી અને કાર્યાલયો પણ ખાલી છે. શા માટે છે આ સ્થિતિ? એક તો પ્રજા સમજે છે કે આ ઉમેદવારો
ચૂંટાઈને કોર્પોરેટર બનશે પછી અહીં ફરીથી આવવાના નથી. દર વખતે ચૂંટણીમાં વચન અપાય છે.
ચૂંટણી થાય છે પરંતુ શહેરની સમસ્યાઓ યથાવત્ રહે છે. રાજકીય પક્ષોમાં પણ સ્થિતિ પ્રવાહી
છે.
ભાજપમાં
ઉમેદવારોની વયમર્યાદા, ત્રણ ટર્મનો નિયમ જેવી બાબતોની અસર થઈ છે. કોંગ્રેસના ઘણા ખરા
ઉમેદવારો ચૂંટણી પુર્વે જ મેદાનમાંથી હટી ગયા છે. મતદારોને નક્કર, મજબૂત વિકલ્પ મળી
રહ્યો નથી. આ વર્ષ જેવી નિરસ ચૂંટણી અગાઉ ક્યારેય નહોતી. 2015માં હાર્દિક પટેલે કરેલાં
આંદોલનની અસર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઉપર મોટા પાયે થઈ હતી.
પ્રચાર
માટે મુખ્યમંત્રી, વિપક્ષી નેતાની સભા બુધવાર સુધી યોજાઈ નથી. ગુરુવારે રાજકોટમાં હર્ષ
સંઘવી આવશે, રવિવારે ગોપાલ ઈટાલિયા આવ્યા હતા. હવે ત્રણ દિવસ બાકી છે. ભાજપને કદાચ
વિજયનો ભરપૂર આત્મવિશ્વાસ છે. અગાઉની જેમ તે કોંગ્રેસને સ્પર્ધક તરીકે અને આપને પડકાર
તરીકે જોઈ નથી રહ્યો. કેન્દ્ર અને રાજ્યમાં થયેલા કામોની વાત લોકોને યાદ છે તેવું ભાજપ
માને છે. કોંગ્રેસે ઉમેદવાર ઉભા રાખ્યા છે. તેમને ફોર્મ પરત ખેંચતા રોકી રાખવા પણ ભરપૂર
મહેનત કરી છે. ચૂંટણી માટે તે ગંભીર છે પરંતુ વિપક્ષ તરીકે જે મુદ્દા, જે તીવ્રતાથી
લઈને તેમણે લોકોની વચ્ચે જવાનું છે તે હજી થઈ રહ્યું નથી.
આમ
આદમી પાર્ટીના ઉમેદવારો પણ છે પરંતુ તેમના ઉપર પ્રજા-મતદારો સંપૂર્ણ જવાબદારી નાંખે
કે નહીં તે મોટો સવાલ છે. શરૂઆતમાં બિનહરીફ અને ઉમેદવારો બદલાવવાના વિવાદ હતા. આવા
વિવાદોને લીધે જ ચૂંટણી જેવું લાગ્યું છે. ચૂંટણી ઢંઢેરા જાહેર કરવા સિવાય કશું થયું
નથી. ચૂંટણીને તો લોકશાહીનું પર્વ કહેવાય અને પર્વની ઉજવણીનો ઉત્સાહ જો ઓછો હોય તો
તે કેમ ચાલે?