પશ્ચિમ
બંગાળ અને દક્ષિણમાં તામિલનાડુ આ બે એવા ગઢ છે, જેને સર કરવામાં ભારતીય જનતા પક્ષને
સફળતા મળી નથી. તૃણમૂલ કૉંગ્રેસ અને દ્રવિડ મુનેત્ર કડગમ્ આ બે સ્થાનિક પક્ષોને વિશ્વનો
સૌથી મોટો રાજકીય પક્ષ મચક આપી શક્યો નથી. બંગાળમાં મમતા બેનરજી ચોથા કાર્યકાળ માટે
લડી રહ્યાં છે, તો ભાજપ માટે આ પ્રતિષ્ઠાનો જંગ છે. તો, તામિલનાડુમાં ભાષા, ક્ષેત્રીય
અસ્મિતા અને વિકાસ મુખ્ય મુદ્દા છે. જોકે, વિચારધારા, શાસનવિરોધી પરિબળ અને મતોનું
ધ્રુવીકરણ બન્ને જગ્યાએ કેન્દ્રમાં છે. આ સાથે જ ભાષાવાદ, રાજ્ય-કેન્દ્ર સંબંધો અને
ચૂંટણી પંચની ભૂમિકા પણ મુખ્ય ચર્ચાનો વિષય છે, તેમાં છેલ્લે મહિલા અનામતનો ઉમેરો થયો
છે.
મમતા
બેનરજીએ ડાબેરીઓનાં પાંત્રીસ વર્ષના શાસનનો અંત લાવ્યા બાદ દોઢ દાયકાથી એકહથ્થુ સત્તા
ચલાવી છે અને છેલ્લા એકાદ દાયકાથી ભાજપ સામે ઝીંક ઝીલી રહ્યાં છે. જોકે, 2021માં ભાજપે
77 બેઠકો સાથે બંગાળમાં મોટા પાયે પગપેસારો કર્યો છે. અહીં ટીએમસી બંગાળી અસ્મિતાને
આગળ કરી રહ્યું છે, તો ભાજપ હિન્દુત્વને હુકમનો એક્કો બનાવ્યો છે. ભાજપે બાંગ્લાદેશી
ઘૂસણખોરો અને રાહિંગ્યાઓનો મુદ્દો બનાવ્યો છે તથા હિન્દુ મતોના ધ્રુવીકરણ માટેના તેમના
પ્રયાસ છે. સુવેન્દુ અધિકારીના રૂપમાં ભાજપને એવા નેતા મળ્યા છે, જે મમતાને હંફાવી
શકે છે. જોકે, ભાજપે મુખ્ય પ્રધાનપદ માટે નામ જાહેર કર્યું નથી. વડા પ્રધાન મોદી, ગૃહપ્રધાન
અમિત શાહ તથા આસામ અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાનો હેમંતા સર્મા બિસ્વા અને યોગી
આદિત્યનાથે સભાઓ ગજવી છે. અહીં મહિલા મતદારોનું પ્રમાણ 53 ટકા જેટલું હોવાથી ડાયરેક્ટ
બેનિફિટ ટ્રાન્સફર યોજનાઓ અને મહિલા અનામતનો મુદ્દો મહત્ત્વનો છે. ટીએમસીએ તમામ પડકારો
છતાં ઇન્ડિ મોરચાના સાથ વિના એકલા હાથે લડવાનો નિર્ધાર કર્યો છે અને ચૂંટણી પંચે ચલાવેલી
ઝુંબેશ અને તેના કારણે મતદારયાદીમાંથી બાકાત થયેલાં નામના મુદ્દાને હથિયાર બનાવ્યો
છે.
તામિલનાડુમાં
આમ તો ટક્કર દ્રમુક અને અન્ના દ્રમુક વચ્ચે છે અને સત્તાનાં સૂત્રો પણ આ બન્ને વચ્ચે
હાથ બદલતા રહે છે. ભાજપ અહીં પણ બહારનો પક્ષ છે છતાં ધીમી ગતિએ બૅઝ ઊભો કર્યો છે. તામિલ
પ્રજા રાજકીય રીતે સક્રિય અને સુજાણ ગણાય છે અને દર પાંચ વર્ષે સત્તાનું હસ્તાંતરણ
અહીં સામાન્ય છે, પણ આ વખતે શાસનવિરોધી લાગણી એટલી તીવ્ર નથી, કેમ કે ડીએમકેએ અસ્મિતા,
ભાષા અને કલ્યાણકારી યોજનાઓના બળે મોરચો ટકાવ્યો છે. જોકે, ડીએમકે અને કૉંગ્રેસ સાથે
લડી રહ્યા હોવા છતાં તેમની વચ્ચે તાલમેલનો અભાવ જણાય છે. એનડીએએ અહીં જાતિ સમીકરણને
સાધતું ગઠબંધન કરી એમ. કે. સ્ટાલિનના ડીએમકેને અઢી કરોડ મતો અપાવવાના લક્ષ્યાંકને તોડવાનો
પ્રયાસ કર્યો છે. 2021ની ચૂંટણીમાં દ્રમુકને 2.09 કરોડ મતો મળ્યા હતા અને સરકારી કલ્યાણકારી
યોજનાઓના લાભાર્થીઓનો આંકડો 1.86 કરોડ જેટલો છે, આથી સત્તાધારી પક્ષને જીતનો આત્મવિશ્વાસ
છે. લોકસભાની ચૂંટણીમાં એનડીએને 41 ટકા મત શૅર મળ્યો હતો. અહીં પણ 97.3 લાખ મતદારોનાં
નામ મતદારયાદીમાંથી બાકાત કરાયા છે. આ રાજ્યોનાં પરિણામો 2029ની લોકસભા ચૂંટણીનું ટ્રેલર
સમાન હશે, એમાં શંકા નથી, કેમ કે ભાજપ માટે આ લિટમસ ટેસ્ટ તો છે જ.