• ગુરુવાર, 23 એપ્રિલ, 2026

કોંગ્રેસ પ્રમુખનું વધુ એક વિવાદી નિવેદન

મલ્લિકાર્જુન ખડગે ફરી એકવાર પોતાના નિવેદનને લીધે વિવાદમાં આવ્યા છે. હજી તો ગુજરાતીઓને અભણ કહેવાની વાતને ભાજપે બરાબર દેશ વ્યાપી મુદ્દો બનાવ્યો ત્યાં જ ફરી એકવાર તેમણે વડાપ્રધાન વિશે કરેલું વિધાન ચર્ચાનો વિષય બન્યું છે. છેલ્લા બે વર્ષમાં વડાપ્રધાન અંગે તેઓ સતત બોલતા રહ્યા છે પરંતુ છેલ્લે છેલ્લે તેમણે નરેન્દ્રભાઈ મોદીને આતંકવાદીની ઉપમા આપી દીધી. સ્વાભાવિક રીતે ભારતીય જનતા પાર્ટી તેની ઉગ્ર પ્રતિક્રિયા આપે જ. ખડગે હોય કે અન્ય કોઈ પણ નેતા હોય તેઓ કંઈ બોલે, પછી ક્ષમા માગી લે તેનો કોઈ અર્થ નથી. દેશના એક મોટા સમુદાયનું તેઓ પ્રતિનિધિત્વ કરે છે. તેમણે કંઈ પણ બોલતાં પહેલાં વિચાર કરવો રહ્યો.

ચેન્નઈની એક સભામાં એઆઈએડીએમકે અને ભાજપના ગઠબંધન વિશે આકરી ટીકા કરતાં કોંગ્રેસ પ્રમુખે જે વાત કરી તેનો સાર એવો પણ નીકળ્યો કે તેમણે  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આતંકવાદી કહ્યા. ભાજપ ઉશ્કેરાય તે સ્વાભાવિક છે. સાંસદ સંબિત પાત્રાએ કહ્યું કે આ મર્યાદાનું ઉલ્લંઘન તો છે જ પરંતુ આ ભૂલ નહીં, ઈરાદાપૂર્વકનું કાવતરું છે. કોંગ્રેસની માનસિકતા છતી થાય છે. રાહુલ ગાંધી પણ વડાપ્રધાનનું વારંવાર અપમાન કરે છે. આ એ પાર્ટી છે જે ઓસામા બિન લાદેનને ઓસામાજી કહે છે. સંબિતે ખડગેની ઝાટકણી કાઢી નાંખી છે. કોંગ્રેસ પ્રમુખે કહ્યું કે મેં તેમને આતંકવાદી નથી કહ્યા, મારા કહેવાનો અર્થ તો એ હતો કે વડાપ્રધાન અન્ય રાજકીય પક્ષોને ડરાવે છે. તેમની પાસે ઈડી, આઈટી, સીબીઆઈ જેવી એજન્સીઓ છે. તેઓ ધમકી આપે છે.

ખડગેની આ વાત વૈધવ્ય પછી આવતા ડહાપણ જેવી લાગે. તેઓ કંઈ બોલ્યા હોય અને તેમણે ક્ષમા માગી હોય તેવું પહેલીવાર નથી બન્યું. હજી પખવાડિયાં પહેલાં પણ એ ઘટના હતી કે તેમણે ગુજરાતીઓને અભણ કહ્યા હતા. જો કે તે નિવેદન પણ મૂળ અર્થમાં અલગ હોવાનો તેમનો દાવો હતો આ પૂર્વે મહિલા આરક્ષણ મુદ્દે તેમણે કરેલાં નિવેદનની સામે પણ સંબિતે પ્રહાર કર્યો હતો.

ખડગેએ અગાઉ મોદીની તુલના ઝેર સાથે કરી હતી. સવાલ કોઈ નેતાના કંઈ ન બોલવાનો નથી. ખડગે હોય કે કેજરીવાલ કે મમતા કે ભાજપના કોઈ નેતા. પ્રતિપક્ષના નેતા અથવા તો સરકારની વિરુદ્ધ બોલવું તે તેઓનો અધિકાર છે. ટીકા તો કોઈ પણની થાય પરંતુ બંધારણીય પદની ગરિમા હોય. કંઈ પણ કહેતાં-ઉચ્ચારતાં પહેલાં એ જોવું જોઈએ કે તેની અસર શું થશે?

 

ઇ-પેપરના નવા શુલ્ક