• ગુરુવાર, 23 એપ્રિલ, 2026

ટકી રહ્યું છે અર્થતંત્ર

સવા-દોઢ માસથી યુદ્ધની સ્થિતિ છે છતાં ભારતનું અર્થતંત્ર દોડી રહ્યું છે, દોડતાં દોડતાં તે હાંફી ગયું નથી. સંઘર્ષ અને અનિશ્ચિતતાના દોરમાં પણ આર્થિક મોરચે તે મહાત થયું નથી. એસબીઆઈ રિસર્ચ તરફથી એવું અનુમાન જાહેર થયું છે કે 2026-2027ના નાણાકીય વર્ષમાં દેશનો જીડીપી 6.8 થી 7.1 ટકાની વચ્ચે રહેશે. વૈશ્વિક પડકારોની વચ્ચે પડકારોનો સામનો કરતા કરતા દેશ આગળ વધી રહ્યો છે. તેલ સંકટ જ્યારે અગાઉ થયું ત્યારે અમેરિકા મંદનો શિકાર બન્યું હતું હવે તે ઊર્જામાં આત્મનિર્ભર છે અને નિકાસકાર દેશોમાં તેની ગણના છે. એસબીઆઈ રિસર્ચ અનુસાર ભારત અત્યારે રશિયા-યુક્રેન સંકટ જેવી સ્થિતિમાં છે જ્યારે વિકાસદર 9 ટકાથી ઉપર હતો.

જો કે આ અહેવાલમાં એવી ચેતવણી પણ છે કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને લીધે કૃષિ, એમએસએમઈ ક્ષેત્રો અસરગ્રસ્ત થશે, પુરવઠાની સાંકળ ખોરવાવાની શક્યતા છે. તાજેતરમાં જ રિઝર્વ બેન્કે રેપો રેટ પણ યથાવત્ રાખ્યા છે. લોઅર ફોર લોંગર...લાંબા ગાળા માટે ઓછું તે નીતિ તેણે અપનાવી છે, યુદ્ધની અસર સમાપ્ત ન થઈ જાય ત્યાં સુધી તે જ રહેશે તેવું પણ સ્પષ્ટ છે. વિશ્વસ્તરે જીઓ પોલિટિકલ- રાજકીય ભૌગોલિક તણાવ, ઈંધણના ઊંચા ભાવ અને સપ્લાય ચેઈન તૂટી હોવા છતાં ભારતના જીડીપી ગ્રોથ ઉપર મજબૂત અનુમાન થયું છે. રૂપિયાને મજબૂત બનાવવા માટે વિશેષ પેકેજની જરૂર છે તેવું આ રિપોર્ટમાં કહેવાયું છે. મજબૂત ઘરેલુ માંગ, સર્વિસ સેક્ટર અને મેન્યુફેક્ચરિંગ સેક્ટર દેશને વેશ્વિક તોફાનથી બચવામાં મદદ કરશે.

સપ્ટેમ્બર, 2022માં ભારત યુનાઈટેડ કિંગ્ડમને પાછળ છોડી વિશ્વનું પાંચમું મોટું અર્થતંત્ર બન્યું એ ગૌરવભરી ક્ષણ હતી,  એ પછી સાતત્યપૂર્વક ભારત વિકાસની દિશામાં આગળ વધી રહ્યું હતું અને આઇએમએફના અંદાજ મુજબ, 2026માં ભારત જર્મનીને પાછળ મૂકી ચોથા ક્રમે પહોંચી જશે અને 2029 સુધીમાં ત્રીજા સ્થાન પરના જાપાનથી આગળ નીકળી જશે એવી શક્યતાઓ હતી. જીડીપી એટલે કે, દેશની અંદર ઉત્પાદિત થતાં માલ અને સેવાઓનું કુલ મૂલ્ય. 2026માં આ આંકડો 4.15 ટ્રિલિયન ડૉલર રહેવાની શક્યતા છે, જે વર્ષ 2025માં 3.92 ટ્રિલિયન ડૉલર હતું. જાપાનનું જીડીપી વર્ષ 2025માં 4.48 ટ્રિલિયન ડૉલર હતું પણ 2026માં ઘટી ને 4.38 ટ્રિલિયન ડૉલર જેટલું હોવાની શક્યતા ડબલ્યુઈઓમાં વર્તાવાઈ છે.

ભારત છઠ્ઠા સ્થાને સરી પડયું એ માટે ફેબ્રુઆરીના અંતમાં જીડીપીના અંદાજને અપડેટ કરવાનાં પરિબળની પહેલી ભૂમિકા છે, ભારતે 2025-26 માટે જીડીપી અંદાજ રૂા. 357 લાખ કરોડથી ઘટાડીને રૂા. 345 લાખ કરોડ કર્યું. બીજું પરિબળ, છેલ્લા એક વર્ષમાં રૂપિયો-ડૉલર એક્સ્ચેન્જ દરમાં થયેલો ફેરફાર છે. આથી આઇએમએફે જ્યારે જીડીપીની ગણતરી ડૉલરના સંદર્ભમાં કરી ત્યારે યુકે અથવા જાપાનની જીડીપી અને ભારતની જીડીપી વચ્ચેનું અંતર ઓર વધ્યું. આઇએમએફના અંદાજ મુજબ જ, 2026માં ભારતને ઝટકો લાગ્યો હોવા છતાં 2027માં ભારત ફરી ચોથા ક્રમનું અર્થતંત્ર બની જશે.

ઇ-પેપરના નવા શુલ્ક