• શનિવાર, 31 જાન્યુઆરી, 2026

કાલે બજેટ, આશા અપેક્ષાની ઘડી

કેન્દ્ર સરકારનું સામાન્ય બજેટ રવિવારે રજૂ થશે. 1લી ફેબ્રુઆરીએ બજેટ સંસદમાં રજૂ કરવાની પરંપરા નાણા મંત્રાલય ચુકવા માંગતું નથી તેથી રવિવારે પણ સંસદનું સત્ર ચાલુ રહેશે. આર્થિક સર્વેક્ષણમાં વિકાસની ગતિના સંકેત નાણામંત્રીએ આપી દીધા છે. છતાં આર્થિક ક્ષેત્રના નિષ્ણાતોથી માંડીને સામાન્ય જન સુધી બજેટની ચર્ચા છે અને સૌને પોતપોતાની અપેક્ષા છે. સ્વાભાવિક રીતે બજેટ રાષ્ટ્રના બૃહદ સંદર્ભમાં વિચારાતું અને બનતું હોય એટલે પ્રત્યક વર્ગ કે ક્ષેત્ર રાજી થાય તેવું જરૂરી નથી પરંતુ દેશના મોટાભાગના નાગરિકોને સંતોષ થાય અને રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવાનો તેમનો અભિગમ અને ઉત્સાહ જળવાઈ રહે તેવું બજેટ હોવું જોઈએ.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વારંવાર એક સૂત્રનો ઉપયોગ કરે છે તે છે ‘િવરાસત ભી વિકાસ ભી’ અને સાથે જ રાજકોટમાં યોજાયેલી વાયબ્રન્ટ ગુજરાત સમિટ સહિતના સ્થળે તેઓ બોલે છે. ‘પરફોર્મ રીફોર્મ ટ્રાન્સફોર્મ’ રવિવારે નાણામંત્રી તરફથી રજૂ થનારું બજેટ પણ આજ સૂત્રોને વિસ્તારનારું હશે તેવી ધારણા અસ્થાને નથી. બજેટમાં રસ્તા, સ્વાસ્થ્ય, પરિવહન જેવા ક્ષેત્રો, કૃષિ જેવો મહત્વનો વિસ્તાર સહિતની જોગવાઈઓ તો સ્વાભાવિક રીતે હશે. સરકાર નાણા ફાળવશે અને યોજનાઓ ઘડશે સાથે જ રોજગારીના સર્જન અને વૈશ્વિક પ્રવાહો સાથે તાલ મેળવવા આર્ટીફિશિયલ ઈન્ટેલીજન્સ જેવા ક્ષેત્રે પણ વધારે લક્ષ અપાશે તેવી ધારણા છે. કૌશલ્ય આધારિત રોજગારી હવે પછીની અગ્રતા રહેવી જોઈએ.

જીએસટીના માળખામાં નવેમ્બરમાં થયેલા ફેરફારનો લાભ લોકોને મળ્યો છે સરકારને ગેરલાભ થયો નથી તે જોતા તે ક્ષેત્રના રીફોર્મ એટલે કે સુધારા ચાલુ રહેશે. સરકાર શિક્ષણ ક્ષેત્રે વધુ નાણા ફાળવે તેવી અપેક્ષા છે અને સંરક્ષણ ક્ષેત્રે વધારે ફાળવણી કરશે તે સ્વીકારવી પડે તેવી બાબત રહેશે. એક સમય હતો જ્યારે બજેટને સીધા જ ચૂંટણી સાથે જોડવામાં આવતા ચૂંટણીલક્ષી બજેટ તેવી એક આખી વિભાવના હતી. વર્તમાન સરકાર માટે બજેટ ચૂંટણી જીતવાનું એક માત્ર માધ્યમ નથી વિકાસનું સાતત્ય ચૂંટણી વગર પણ સરકારની અગ્રતા છે. નજીકના ભવિષ્યમાં મોટી ચૂંટણી ન હોવા છતાં બજેટ વિકાસલક્ષી રહેવાની શક્યતા છે. વિશેષત: સ્વદેશી, આત્મનિર્ભર ભારતની વિભાવના સાકાર થશે. મધ્યમ વર્ગની ખરીદી શક્તિ વધે તેવા પ્રયાસની બજેટમાં સંભાવના છે.

નાણાકીય અનુશાસન પણ બજેટની અગ્રતા રહે તેવી શક્યતા છે. જો કે, રવિવારે નિર્મલા સીતારમણનો પોર્ટફોલિયો ખુલે પછી જ બજેટની વાસ્તવિકતાનો ખ્યાલ આવશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક