અમેરિકન ટેરીફથી મુંઝાઈ ગયેલું ભારતનું અર્થતંત્ર મુરઝાશે નહીં તેવી ખાતરી હવે મળી છે. 27 જાન્યુઆરીએ યુરોપિયન સંઘના 27 દેશ સાથે થયેલા મુક્ત વ્યાપાર કરારથી ભારતના નિકાસકારો-ઉત્પાદકો માટે આશાનો સંચાર થયો છે. ભારત સરકારે યુરોપિયન યુનિયન સાથે કરેલા કરારને લીધે ભારત તથા યુરોપના 27 દેશને વ્યાપાર ક્ષેત્રે ફાયદો થશે. આર્થિક ક્ષેત્રના નિષ્ણાતોનો દાવો છે કે, ટ્રમ્પના ટેરિફથી ભારતને થયેલું નુક્સાન ભરપાઈ થઈ શકશે. જો કે, તે ભવિષ્યની વાત છે પરંતુ આજની સ્થિતિએ વ્યાપાર ઉદ્યોગને થતું મોટું નુક્સાન તો અટકી ગયું છે તેવું કહી શકાય.
ભારત
અને યુરોપિયન સંઘ વચ્ચે લાંબા સમયથી અટકેલા વ્યાપાર કરાર ઉપર મહોર લાગી ગઈ છે. ભારત
માટે યુરોપના 27 દેશનું બજાર મોકળું થયું છે તેવો અંદાજ છે કે, પ્રિ-ટ્રેડ એગ્રીમેન્ટથી
ભારતની નિકાસમાં 6.4 લાખ કરોડ રૂપિયાની વૃદ્ધિ થશે. ભારતમાં થયેલા ઉત્પાદન એટલે કે
મેડ ઈન ઈન્ડિયા વસ્તુઓ માટે યુરોપના દેશોના બજારના દ્વાર કોઈ અવરોધ વગર હવે ખુલશે.
27 જાન્યુઆરીએ ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે થયેલા મુક્ત વ્યાપાર કરારને લીધે 96.6%
યુરોપીય સામાનો પર લાગવાવાળા ટેક્ષ ઓછા થઈ જશે અથવા તો નાબૂદ થઈ જશે. અત્યારે 50 થી
150% જેટલી ઈમ્પોર્ટ ડયુટી લાગે છે તે ઘટીને 20% સુધી થશે. ભારત સાથે વ્યાપાર કરી રહેલી
યુરોપિયન કંપનીઓને 4 અબજ યુરોની બચત થવાની જ્યારે ભારતના નિકાસકારોને યુરોપ જતા સામાન
ઉપર 99%થી વધારે ટેક્ષની છૂટ મળશે તેવી શક્યતા છે.
અમેરિકાના
પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત ઉપર 50% ટેરિફનો અમલ કર્યો તેને લીધે ભારતના નિકાસકારોને
6 અબજ ડોલરનું નુક્સાન વેઠવું પડયું છે. હવે ભારત અને યુરોપ વચ્ચેના “ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ’’ને
કારણે જે વૃદ્ધિ થશે તે આ નુક્સાનથી દસ ગણી વધારે હશે તેવું એમકે ગ્લોબલ નામની રિસર્ચ
એજન્સીએ જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, કાપડ, તૈયાર કપડા, ચર્મ ઉદ્યોગને આ કરારને લીધે
ફાયદો થવાની સંભાવના છે. ભારતના અર્થતંત્રને ટેરિફની અસર ઓછી થાય તે માટે નવેમ્બર માસથી
જ જીએસટીના માળખામાં કેન્દ્ર સરકારે પરિવર્તન કરીને વેપારીઓ અને પ્રજાને રાહત આપી હતી.
અમેરિકાની ધમકીને વશ થયા વગર નિર્ણયો લીધા છે ત્યારે યુરોપિયન યુનિયન સાથેનો આ વ્યાપાર
કરાર અર્થનીતિ અને વિદેશનીતિમાં નવો અધ્યાય સાબિત થશે તેવી આશા સેવાઈ રહી છે.