• શનિવાર, 31 જાન્યુઆરી, 2026

રાજકારણમાં અજિત, વહીવટમાં દાદા

અજિત પવારના રાજકીય જીવનની શરૂઆત બારામતીમાંથી થઈ, બારામતીમાં જ તેમની કારકિર્દી ઘડાઈ અને 66 વર્ષ, છ મહિના અને છ દિવસની વયે બારામતીમાં જ તેમને મોત આંબી ગયું. શરદ પવાર જેવા વિચક્ષણ, વગદાર અને અઠંગ રાજકારણીના ભત્રીજા તરીકે કારકિર્દીનો મહત્તમ તબક્કો તેમની છાયામાં વિતાવવા છતાં મહારાષ્ટ્રમાં સરકાર કોઈની પણ હોય, નાયબ મુખ્ય પ્રધાન તો અજિત પવાર જ હોય, એવું સમીકરણ તેમના રાજકારણી તરીકેની મહત્તા સાથે ગઠબંધનના ગણિત અને સરકારી વહીવટમાં તેમની પકડની સાહેદી પૂરે છે. શરદ પવારના ભત્રીજા તરીકેની ઓળખના દાયરામાં બંધાઈ રહી વારસામાં મળેલા પ્રભાવને આગળ વધારવા કરતાં પોતાની સ્વતંત્ર છાપ ઊભી કરવાનો સંઘર્ષ અજિતદાદાની કારકિર્દીમાં સતત પ્રતાબિંબિત થતો હતો. જોકે, કાકાના પડછાયામાંથી બહાર આવી રાજ્યના રાજકારણમાં હલચલ મચાવવામાં તેઓ સફળ રહ્યા હતા, પણ મુખ્ય પ્રધાનપદની ખુરશી સુધી પહોંચ્યા વિના પણ બહુ ઓછા નેતાઓ પહોંચી શકે એવી ઊંચાઈ તેમણે પ્રાપ્ત કરી હતી. ગ્રામીણ પાવર નેટવર્કના બળે મોટા થયેલા અજિત પવારનો લોકસંપર્ક દમદાર હતો. આખાબોલા છતાં સરળ, ગણતરીબાજ છતાં સૌને સાથે લઈને ચાલનારા તથા વિવાદોના ઘેરામાં રહેવા છતાં અડગ એવા આ નેતાનું અકાળ અવસાન પણ રાજ્યના રાજકારણમાં હલચલ સર્જશે.

અજિત પવારનો ઉદય કાકા શરદ પવારનાં પદચિહ્‰‰નો પર ચાલીને થયો હતો. પશ્ચિમ મહારાષ્ટ્રના સહકારી ક્ષેત્રમાં સાકર કારખાનાં તથા જિલ્લા સ્તરીય બૅન્કો અને સ્થાનિક નેટવર્કમાં મૂળિયાં ધરાવતા અજિતદાદા 1991માં પહેલીવાર બારામતીથી લોકસભામાં ચૂંટાઈ આવ્યા. જોકે, આગળ જતાં કાકા માટે આ બેઠક તેમણે ખાલી કરી આપી હતી. એ પછી 1995માં વિધાનસભામાં પહેલીવાર પરિવારની પારંપરિક બેઠક પરથી ચૂંટાઈ આવ્યા પછી ત્રણ દાયકામાં આઠ વાર તેઓ અહીંથી ચૂંટાઈ આવ્યા અને એમાંથી છ વાર નાયબ મુખ્ય પ્રધાન બન્યા. કૉંગ્રેસમાંથી છૂટા પડી શરદ પવારે રાષ્ટ્રવાદી કૉંગ્રેસનો નોખો ચોકો રચ્યો ત્યારે 1999માં એ વખતે 40 વર્ષના અજિતદાદાને પહેલી વાર રાજ્યની કૅબિનેટમાં સ્થાન મળ્યું. રાજ્યમાં નંબર-ટુના પદ પર હોવા છતાં હંમેશાં તેમને મહત્ત્વના પોર્ટફોલિયો મળતા જેમાં સિંચાઈ, ગ્રામ વિકાસ, જળ સંસાધન અને નાણાં જેવાં ખાતાંનો સમાવેશ થાય છે. તેમણે આ ખાતાંનો ઉપયોગ સ્થાનિક સ્તરે વ્યાપક નેટવર્ક ઊભું કરવા માટે કર્યો. જોકે, પક્ષમાં દિશાનિર્દેશનો દોર શરદ પવારે પોતાના હાથમાં રાખ્યો હતો અને અજિતદાદાને માત્ર કામગીરીને અંજામ આપવાની જવાબદારી જ સોંપાતી. ગઠબંધન, સત્તા-વહેંચણીનાંસમીકરણો તથા મુખ્ય પ્રધાનપદની પસંદગી જેવા વ્યૂહાત્મક નિર્ણયો સિનિયર પવાર લેતા. સરકારમાં પક્ષનો ચહેરો ભત્રીજો રહેતો, પણ મગજ તો કાકાનું જ હોય. સમયાંતરે, આ બાબતે અજિતદાદામાં અધીરાઈ અને મહત્ત્વાકાંક્ષાને જન્મ આપ્યો. સાથે જ એ વાત પણ તેમના મનમાં દૃઢ થઈ કે સત્તાસ્થાન મેળવવા કરતાં લાંબા ગાળાનો લાભ સુરક્ષિત કરવાની કાકાની વ્યૂહરચના પક્ષને અને વ્યક્તિગત રીતે તેમને પણ નુકસાન પહોંચાડી રહી હતી. આ હતાશાને પગલે 2019માં ભાજપ સાથે હાથ મિલાવી વહેલી સવારે દેવેન્દ્ર ફડણવીસ સાથેની શપથવિધિએ રાજકારણમાં ભૂકંપ સર્જ્યો હતો. અજિતદાદાનો આશય સત્તા નહીં, પોતાની સ્વાયત્તતાને પ્રસ્થાપિત કરવાનો હતો. એ પ્રયાસ નિષ્ફળ નીવડયો. આ નિષ્ફળતાએ તેમને નબળા પાડયા પણ તેમને હળવાશથી ન લેવાય એવી વ્યક્તિ તરીકે પ્રસ્થાપિત કર્યા.

2019માં જે ઇરાદો તેમણે વ્યક્ત કર્યો હતો એ 2023માં સાકાર કર્યો. રાષ્ટ્રવાદી સાથે છેડો ફાડવાનું પગલું નિર્ણાયક, ગણતરીપૂર્વકનું અને પગ જમીન સાથે જોડાયેલા રાખી લેવાયેલું હતું. મૂળ રાષ્ટ્રવાદી તરીકેની કાયદેસરની માન્યતા મળવાને કારણે અજિત પવાર કાકાના પડછાયામાંથી આખરે બહાર નીકળી શક્યા. જોકે, મુખ્ય પ્રધાનપદ તો દૂર જ રહ્યું, છતાં તેઓ એવું તત્ત્વ બની શક્યા, જેના વિના સત્તાનું સમીકરણ સાધી શકાય નહીં. કાકા સાથે પારિવારિક નિકટતા તો અકબંધ હતી જ, પણ 2025માં રાજકીય નિકટતા સર્જવાનાં એંધાણ આપ્યાં. જોકે, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ પહેલાં આ ગણતરીપૂર્વકનું પગલું રાજકીય ભૂમિતિ અને ભૂગોળ ચકાસવા માટેનું હતું. અનેક લોકો માને છે કે 2019 અને 2023 આ બંને વખતે અજિત પવારની ભાજપ સાથેની નિકટતાને શરદ પવારના આશીર્વાદ હતા. જોકે, જે રીતે ચૂંટણીઓ પહેલાં અજિત પવારે કાકા સાથે રાજકીય પુનર્મિલનનો માહોલ સર્જ્યો અને એનો ફાયદો તેમને પુણેમાં થયો એ જોતાં શરદ પવારની જેમ વર્તન અને વાણીથી અલગ સંદેશ આપવો અને મનમાં હોય એ કળાવા ન દેતાં. મિત્રો તથા વિરોધીઓને અટકળો કરતા કરી મૂકવાની આવડત કેળવી લીધાનો પરચો પણ આપી દીધો.

સત્તામાં રહેવા સાથે કૌભાંડોમાં પણ તેમનું નામ અવારનવાર સામે આવતું રહ્યું. સિંચાઈ કૌભાંડ અને ગયા વર્ષે પુણેના કોંઢવામાં સરકારી જમીન પાણીના ભાવે પડાવી લેવાના મામલામાં પુત્ર પાર્થનું નામ સામે આવ્યું હતું. જોકે, અજિતદાદા અણનમ હતા. 2013માં રાજ્યમાં દુકાળની પરિસ્થિતિ હતી ત્યારે ઈંદાપુરમાં એક સભામાં કરેલી ટિપ્પણી માટે તેમનાં પર માછલાં ધોવાયાં હતાં. અજિત પવારની રાજકીય કારકિર્દી મહત્ત્વાકાંક્ષા અને અંકગણિતની વચ્ચે ઝોલા ખાતી રહી હોવા છતાં વિરોધીઓ તેમનાથી ગભરાતા અને સાથીઓ માટે તેઓ હંમેશાં મૂલ્યવાન પુરવાર થતા રહ્યા છે. તેમના અવસાનને પગલે દેવેન્દ્ર ફડણવીસે નિકટનો મિત્ર અને મહત્ત્વનો સહયોગી ગુમાવ્યો છે અને હવે મહાયુતિમાં શિવસેનાના એકનાથ શિંદેનું મહત્ત્વ વધારશે. વળી, કાકા-ભત્રીજાના પક્ષ એક થઈ જાય તો રાજ્યમાં ભાજપની સર્વોપરિતા સામે પણ પડકાર ઊભો થઈ શકે છે. શિંદેને મુખ્ય પ્રધાનપદ ન મળવાનો રંજ છે અને ફડણવીસ-અજિતદાદા એક થઈ ગયા હોવાને કારણે આવું થયાનો ચચરાટ તેમને છે. રાષ્ટ્રવાદી એનડીએમાં જોડાવું એ ફડણવીસની સોગઠી હોવાનું માનવામાં આવે છે. જોકે, શરદ પવારની વધેલી વય અને અજિત પવારની અણધારી એક્ઝિટ રાષ્ટ્રવાદી પક્ષ સામે મોટો પ્રશ્નાર્થ ચિહ્‰‰ન સર્જે છે. શરદ પવાર એનડીએમાં જોડાશે તો ફડણવીસની સ્થિતિ અત્યારે છે એટલી સબળ નહીં રહે અને જો તેઓ વિરોધી મોરચા સાથે રહે છે, તો શિંદેની માગણી પ્રબળ બની શકે છે. આમ, મૃત્યુ પછી પણ અજિત પવાર રાજ્યના રાજકારણમાં સુનામી સર્જશે.

ઇ-પેપરના નવા શુલ્ક