• મંગળવાર, 18 જૂન, 2024

મોટી સરકાર, નાના ફેરફાર  

ગઠબંધન સરકારમાં પણ મહત્ત્વના તમામ મંત્રાલય ભાજપ હસ્તક: સહયોગીઓને કદ-વજન મુજબ ફાળવણી 

નવી દિલ્હી, તા.10 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની એનડીએ સરકારના શપથગ્રહણ સમારોહના ર4 કલાક બાદ વિવિધ વિભાગોની વહેંચણી કરવામાં આવી છે અને ધાર્યા મુજબ નાણાં, ગૃહ, સંરક્ષણ, વિદેશ, સ્વાસ્થ્ય, માર્ગ પરિવહન, ઉડ્ડયન સહિત મહત્વના તમામ મંત્રાલયો ભાજપે પોતાની પાસે રાખ્યા છે.

સોમવારે સાંજે યોજાયેલી કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ, અમિત શાહને ફરી એકવાર ગૃહ અને સહકારિતા, રાજનાથ સિંહને સંરક્ષણ, નિર્મલા સીતારમનને નાણાં અને એસ.જયશંકરને વિદેશ મંત્રાલય સોંપી રિપીટ કરાયા છે. કેબિનેટમાં એન્ટ્રી કરનાર સી.આર.પાટિલને જળશક્તિ, જે.પી.નડ્ડાને સ્વાસ્થ્ય તથા મનસુખ માંડવિયાને શ્રમ રોજગાર સાથે યુવા બાબતો અને ખેલ મંત્રાલયની જવાબદારી સોંપાઈ છે. નીતિન ગડકરીને ફરી એકવાર સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી બનાવવામાં આવ્યા છે અને અજય ટમ્ટા  અને હર્ષ મલ્હોત્રા તેમાં રાજય મંત્રી તરીકે જવાબદારી સંભાળશે. અશ્વિની વૈષ્ણવને રેલવે સાથે માહિતી પ્રસારણ-આઈટી, ઈલેકટ્રીક મંત્રાલય સોંપવામાં આવ્યું છે ધર્મેન્દ્ર પ્રધાન શિક્ષણ મંત્રી બન્યા છે. જીતેન્દ્ર સિંહ પીએમઓમાં રાજયમંત્રી તરીકે રહેશે. અર્જુનરામ મેઘવાલ કાયદા અને ન્યાય રાજય-સ્વતંત્ર પ્રભાર સાથે સંસદીય કાર્ય મંત્રાલયમાં રાજય મંત્રી બનાવાયા છે.

શિવરાજ સિંહ ચૌહાણને કૃષિ-ગ્રામિણ વિકાસ, ચિરાગ પાસવાનને ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ, મનોહરલાલ ખટ્ટરને ઉર્જા સાથે શહેરી વિકાસ તથા જયોતિરાદિત્ય સિંધિયાને દૂર સંચાર મંત્રાલય સાથે ઉત્તર પુર્વના વિકાસનો કાર્યભાર અપાયો છે. જેડીએસના કુમારસ્વામીને ભારે ઉદ્યોગ અને સ્ટીલ બાબતના મંત્રી બનાવાયા છે. રામ મોહન નાયડૂને નાગરિક ઉડ્ડયન મંત્રી બનાવાયા છે. સૌથી વયોવૃદ્ધ કેબિનેટ મંત્રી જીતનરામ માંઝી એમએસએમઈ મંત્રાલય સંભાળશે જેમાં શોભા કરંદલાજે રાજયમંત્રી રહેશે. પેટ્રોલિયમ-પ્રાકૃતિક ગેસ વિભાગની જવાબદારી ફરી એકવાર હરદીપપુરીને સોંપવામાં આવી છે. પંજાબના રવનીત સિંહ બિટ્ટૂને અલ્પસંખ્યક બાબતોના વિભાગમાં રાજયમંત્રી નિયુક્ત કરાયા છે. પિયૂષ ગોયલ ફરી એકવાર વેપાર વાણિજય મંત્રાલય સંભાળશે. ગિરિરાજ સિંહને કપડાં મંત્રાલય અને અન્નાપુર્ણાદેવીને મહિલા બાળ વિકાસ મંત્રાલયની જવાબદારી રહેશે. બંદરો-જહાજો-જળમાર્ગનું મંત્રાલય સર્બાનંદ સોનોવાલને, લલ્લન સિંહને પંચાયતી રાજય-પશુપાલન-ડેરી, વીરેન્દ્ર કુમારને સામાજિક ન્યાય-આધિકારિતા, પ્રહલાદ જોશીને ગ્રાહકો બાબત-ખાદ્ય-જાહેર વિતરણ-નવીન નવીકરણીય ઉર્જા, જુએલ ઓરાંવને જનજાતીય, ગજેન્દ્ર સિંહ શેખાવતને સંસ્કૃતિ-પર્યટન, સુરેશ ગોપીને તેમાં રાજયમંત્રી તરીકે, કિરેન રિજિજ્જૂને સંસદીય કાર્ય-લઘુમતિ બાબત, જી કિશન રેડ્ડીને કોલસો-ખાણ મંત્રાલય સોંપવામાં આવ્યું છે. આઠવલે સામાજિક ન્યાય રાજયમંત્રી, જયંત ચૌધરી કૌશલ વિકાસ-ઉદ્યમિતાના રાજયમંત્રી સ્વતંત્ર પ્રભાર સાથે શિક્ષણ મંત્રાલયમાં રાજયમંત્રી બન્યા છે. જાધવ પ્રતાપરાવ આયુષ મંત્રાલયના રાજયમંત્રી સ્વતંત્ર પ્રભાર સાથે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના રાજય મંત્રી બન્યા છે.

 

‘િશંદે’સેના હક્ક મુદ્દે નારાજ

કહ્યું, 7 સાંસદ છતાં એક પણ કેબિનેટ મંત્રી નહીં

નવી દિલ્હી તા.10 : મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાએ 7 સાંસદ હોવા છતાં એક પણ કેબિનેટ મંત્રી પદ ન મળતાં નારાજ હોવાનું સામે આવ્યું છે. આ મુદ્દે અજિત પવારની એનસીપી પણ રાજયમંત્રી પદ લેવા ઈનકાર કરી ચૂકી છે.

શિવસેના-શિંદે જૂથની પાર્ટીના ચીફ વ્હીપ શ્રીરંગ બારણેએ કહ્યંy કે તેમની પાર્ટીએ લોકસભાની 7 બેઠક જીતી છે તેમછતાં કેબિનેટ મંત્રાલય આપવામાં આવ્યું નથી. જયારે એનડીએના અન્ય ઘટક દળોને ઓછી બેઠક હોવા છતાં કેબિનેટમાં સ્થાન અપાયું છે. એનડીએ સરકારમાં તેમની પાર્ટીને સ્વતંત્ર પ્રભાર સાથે રાજયમંત્રીનું પદ આપવામાં આવ્યું છે. શ્રીરંગે જણાવ્યું કે ચિરાગ પાસવાનના પાંચ સાંસદ છે, માંઝીના એક સાંસદ છે તો પણ તેમને કેબિનેટમાં સ્થાન મળ્યું છે. આવું કેમ ? તેવો સવાલ તેમણે ઉઠાવ્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

કોટડા સાંગાણીમાં વીજપોલમાંથી શોક લાગતા બળદનું મોત નીપજ્યું June 17, Mon, 2024