સબસીડી અપાતાં પોતાની કંપનીઓને નુકસાનનું કારણ આપી ભારતીય સોલાર પેનલ પર 126 ટકા ડયૂટી ઝીંકી
વોશિંગ્ટન,
તા. 25 : અમેરિકાએ ભારતથી આવતી સોલાર પેનલો અને સેલ પર 126 ટકાની ડયૂટી લાદી દીધી છે.
અમેરિકી વાણિજ્ય વિભાગનું કહેવું છે કે, ભારત પોતાના ઉત્પાદકોને ખોટી રીતે સબસીડી આપે
છે, જેનાથી ઘરેલુ અમેરિકી કંપનીઓને નુકસાન થઇ રહ્યું છે.
આ ફેંસલાથી
ભારતના સોલાર નિકાસકારો માટે અમેરિકી બજારમાં ટકવું મુશ્કેલ બનશે. 126 ટકા ડયૂટીનો મતલબ છે કે, સોલાર પેનલોની કિંમત
અમેરિકામાં બમણીથીયે વધુ થઇ જશે. આવી સ્થિતિમાં અમેરિકાના ગ્રાહકો ભારતીય પેનલનાં સ્થાને
સ્થાનિક કંપનીઓ અથવા અન્ય દેશો પાસેથી પેનલ ખરીદવી પસંદ કરશે. આમ, ભારતીય ઉત્પાદન સ્પર્ધાથી
જ બહાર થઇ જશે.
આ
126 ટકા ડયૂટી એ 10 ટકા વૈશ્વિક ટેરિફથી અલગ છે, જેની ઘોષણા ટ્રમ્પે તાજેતરમાં કરી
હતી. સાથોસાથ લાઓસ પર 81 ટકા અને ઇન્ડોનેશિયા પર પણ 143 ટકા ડયૂટી ઝીંકાઇ છે.
બ્લૂમબર્ગના
અહેવાલ અનુસાર, 2025ના પહેલા ત્રિમાસિક ગાળામાં અમેરિકામાં થયેલી કુલ સોલાર આયાતની
57 ટકા ભારત, ઇન્ડોનેશિયા અને લાઓસમાંથી થઇ હતી.
ભારતીય
નિકાસની વાત કરીએ તો 2024માં અમેરિકાને લગભગ 7200 કરોડ રૂપિયાનાં સોલાર ઉત્પાદનો મોકલાવ્યા
હતાં.
અમેરિકી
સોલાર ઉત્પાદકોનો આરોપ છે કે, ચીનની કંપનીઓ અમેરિકી ટેરિફથી બચવા માટે ભારત, ઇન્ડોનેશિયા,
લાઓસ જેવા દેશોના માર્ગો પરથી પોતાના માલ મોકલી રહી છે.