• બુધવાર, 01 મે, 2024

ભારત આતંકીઓને ઘરમાં ઘૂસીને મારશે: અમેરિકાએ કહ્યું, દખલ નહીં કરીએ

મોદી અને રાજનાથસિંહના નિવેદન ઉપર અમેરિકી વિદેશ મંત્રાલયે આપી પ્રતિક્રિયા

નવી દિલ્હી, તા. 17 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રક્ષા મંત્રી રાજનાથસિંહે થોડા સમય પહેલા કહ્યું હતું કે ભારત આતંકવાદીઓને તેના ઘરમાં ઘુસીને મારવાથી અચકાશે નહી. બન્ને નેતાનો ઈશારો પાકિસ્તાન તરફ હતો. ભારતના બન્ને દિગ્ગજ નેતાના નિવેદન ઉપર હવે અમેરિકાની પ્રતિક્રિયા પણ સામે આવી છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને પ્રશાસને ભારત અને પાકિસ્તાનને તનાવથી બચવા અને વાતચીતના માધ્યમથી સમાધાન શોધવાની સલાહ આપી છે. જો કે અમેરિકાએ કહ્યું છે કે તે મધ્યસ્થતા કરશે નહી. આતંકવાદ ઉપર મોદીના નિવેદન 

અંગે સવાલ કરવામાં આવતા અમેરિકી વિદેશ વિભાગના પ્રવક્તા મેથ્યુ મિલરે કહ્યું હતું કે, અમેરિકા આ મુદ્દે વચ્ચે આવશે નહી. તેઓ ભારત અને પાકિસ્તાન બન્નેને તનાવથી બચવા અને વાતચીતના માધ્યમથી સમાધન શોધવા માટે પ્રોત્સાહિત કરે છે. મેથ્યુ મિલર આતંકવાદીઓને ખતમ કરવા માટે અન્ય દેશોમાં ભારત દ્વારા કથિત અભિયાનો ઉપર એક સવાલનો જવાબ આપી રહ્યા હતા.

મિલરને કેનેડામાં ખાલિસ્તાની અલગતાવાદી હરદીપ નિજ્જરની હત્યા, ગુરપતવંત પન્નુની ન્યુયોર્કમાં હત્યાની સાજિશ, પાકિસ્તાનમાં આતંકવાદીઓની હત્યા વગેરે મામલે સવાલ કરવામાં આવતા તેઓએ કહ્યું હતું કે અમેરિકા આ મામલામાં સામેલ થશે નહી. ઉલ્લેખનીય છે કે મહિનાની શરૂઆતમાં રક્ષા મંત્રીએ કહ્યું હતું કે જો આતંકવાદી ભારતમાં શાંતિ ભંગ કરવા અથવા આતંકી ગતિવિધિની કોશિશ કરશે તો તેને જડબાતોડ જવાબ આપવામાં આવશે. આતંકી પાકિસ્તાન ભાગી ગયા તો તેને ઘરમાં ઘૂસીને મારવામાં આવશે.

ઇ-પેપરના નવા શુલ્ક