• શનિવાર, 27 એપ્રિલ, 2024

આચારસંહિતાના ભંગ બદલ રૂપાલા અને  માંડવિયા સામે ચૂંટણી પંચમાં ફરિયાદ

ક્ષત્રિય સમાજના અપમાન બદલ લાઠી સ્ટેટના વંશજે રાજકોટની કોર્ટમાં ફરિયાદ નોંધાવતા મામલો ગરમાયો

 

અમદાવાદ, તા.28: લોકસભા 2024ની ચૂંટણીને લઈ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ એમ બન્ને રાજકીય પક્ષના ઉમેદવારો દ્વારા મતદારોને રીઝવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. બન્ને પક્ષના ઉમેદવારો દ્વારા સભાઓ પણ ગજવવામાં આવી રહી છે પરંતુ ઉમેદવારો દ્વારા અમુક જગ્યાએ સભાઓ ગજવતી વખતે જીભ લપસી જતી હોય છે આવું જ ભાજપના બે ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવીયા સાથે પણ થયું છે. લોકસભા ચૂંટણીની જાહેરાત થયા બાદ આ બન્ને ઉમેદવારોએ આચારસંહિતા ભંગ કરતા ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવી હતી. ચૂંટણી પંચે જિલ્લા ચૂંટણી અધિકારીને કાર્યવાહી કરવા આ ફરિયાદ મોકલી આપી છે. આ ફરિયાદ સંબંધે જિલ્લા ચૂંટણી અધિકારીઓ કાર્યવાહી કરશે.

પ્રાપ્ત માહિતી અનુસાર, પુરુષોત્તમ રૂપાલા સામે ચોક્કસ સમાજ બાબતે કરેલા નિવેદનને લઈ ફરિયાદ કરવામાં આવી છે. જ્યારે મનસુખ માંડવિયાએ સહકારી બિલ્ડીંગમાં કરેલી સભા મુદ્દે ફરિયાદ કરવામાં આવી છે. ચૂંટણી પંચે જિલ્લા ચૂંટણી અધિકારીને કાર્યવાહી કરવા ફરિયાદ મોકલી આપી છે. દરમિયાન રાજકોટના રહીશ આદિત્યસિંહ  વિરેન્દ્રસિંહ ગોહિલ (રહે. મૂળ ખીજળિયા, તા.ઉમરાળા) કે જેઓ લાઠી સ્ટેટના રાજવી પરિવારના જ છે. તેમણે પુરૂષોત્તમ રૂપાલા વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, પાટીલનું નિવેદન ક્ષત્રિય સમાજનું અપમાન કરનારૂ છે. તેનાથી ક્ષત્રિયોના માન-સન્માન અને પ્રતિષ્ઠાને હાની પહોંચી છે. આ મુદ્દે નામદાર રાજકોટ જ્યુ.મેજી ફર્સ્ટ ક્લાસ સમક્ષ રૂપાલાની સામે ફરિયાદ નોંધાવતા કોર્ટે ફરિયાદીની જુબાની નોંધી હતી અને ઈન્કવાયરી રજિસ્ટરે લઈને વધુ સાક્ષી પુરાવા રજૂ કરવા માટે આ કેસ મુલતવી રાખ્યો હતો. ફરિયાદ પક્ષે એડવોકેટ સંજય પંડયા તથા જયદેવસિંહ ચૌહાણ રોકાયા છે.

 

રૂપાલાની માફીને ક્ષત્રિય સમાજે સ્વીકારી લેવી જોઈએ : પાટીલ

 

રાજકોટ તા.28 : રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ તાજેતરમાં ક્ષત્રિય સમાજ અંગે કરેલા નિવેદન બાદ ચોતરફ રોષનો માહોલ ફેલાયો છે જેના કારણે ભાજપની મુશ્કેલીમાં વધારો થયો છે ત્યારે આ મુદ્દે રાજકોટની મુલાકાતે આવેલા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે પોતાની  પ્રતિક્રિયા આપી હતી.

પાટીલે જણાવ્યું હતું કે, પરસોતમભાઈ રૂપાલાએ માફી માંગી લીધી છે અને હાલ સમગ્ર વિવાદને શાંત કરવાના પ્રયત્નો ચાલુ છે. તેઓએ સ્વીકાર્યુ છે કે, આ મુદ્દે ક્ષત્રિય સમાજના અગ્રણીઓ સાથે તેમની વાતચીત પણ ચાલુ છે અને એકાદ-બે દિવસમાં તેનું નિરાકરણ પણ આવી જશે ત્યારે મારું અંગત રીતે માનવું છે કે, પરસોતમભાઈ જેવા સિનીયર નેતાઓ કે જેઓ કેન્દ્રિય મંત્રી પણ છે. આ પ્રકરણમાં એકથી વધુ માફી માંગવા તૈયાર થતાં હોય તો તેની ગંભીરતા જોવી જોઈએ. પાટીલે પરોક્ષ રીતે જણાવ્યું હતું કે, ક્ષત્રિય સમાજે તેમને માફી આપી પણ દેવી જોઈએ.

રૂપાલા સામેનો રોષ શાંત કરવા હવે જયરાજસિંહને સુકાન સોંપાયું : આજે બેઠક

ગોંડલ, તા.28: કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ રાજા રજવાડા અંગે કરેલી ટીપ્પણી બાદ ગુજરાતભરમાં ક્ષત્રિય સસમાજ લાલઘુમ બન્યો છે. ક્ષત્રિય સમાજના વિવિધ સંગઠનોએ રૂપાલાનો વિરોધ કરતા વિરોધની આગ ભાજપને દઝાડી રહી છે. રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી માગી હોવા છતાં પણ ક્ષત્રિય સમાજનો રોષ યથાવત રહેતા ભાજપ મોવડીઓ માટે પણ મૂંઝવણ શરૂ થઈ છે.

દરમિયાન વિવાદને પૂરો કરવા સ્થાનિક અને પ્રદેશ ભાજપનું ડેમેજ કંટ્રોલ નિષ્ફળ ગયું હોય હવે ગુજરાતભરમાં ક્ષત્રિય સમાજમાં પ્રભુત્વ ધરાવતા ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને ડેમેજ કંટ્રોલનું સુકાન સોંપાયું છે. આવતીકાલ શુક્રવાર સાંજે જયરાજસિંહના સેમળા સ્થિત ગણેશગઢ ફાર્મહાઉસ ખાતે ક્ષત્રિય સમાજના ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, વિવિધ સંગઠનોના આગેવાનો સહિતની બેઠકનું આયોજન કરાયું છે. ક્ષત્રિય સમાજનો વિરોધ શબાંત બને અને ‘ઘીના ઠામ માં ઘી’ પડી જાય તેવા પ્રયત્નો જયરાજસિંહ દ્વારા થશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક