• શનિવાર, 27 એપ્રિલ, 2024

નવા મનરેગા મજૂરી દર જારી : ગોવામાં સૌથી વધારે વૃદ્ધિ

ગોવામાં મજૂરી દર 10.56 ટકા વધ્યો, યુપીમાં 3.04 ટકાનો વધારો : એપ્રિલથી લાગુ થશે નવો દર

 

નવી દિલ્હી, તા. 28 : કેન્દ્ર સરકારે મનરેગા હેઠળ મજુરી વધારવાનું એલાન કર્યું છે. સરકારે નાણાકીય વર્ષ 2024-25 માટે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરન્ટી અધિનિયમ (મનરેગા) હેઠળ અકુશળ શારીરિક શ્રમિકો માટે નવા મજૂરી દર જારી કર્યા છે. જેના હેઠળ ગોવામાં સૌથી વધારે મજૂરી વધારવામાં આવી છે. ગોવામાં વર્તમાન મજૂરી દર ઉપર 10.56 ટકાની વૃદ્ધિ જોવા મળી છે. જ્યારે સૌથી વધારે આબાદી ધરાવતા રાજ્ય ઉત્તર પ્રદેશમાં સૌથી ઓછી 3.04 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. આ ઉપરાંત ઉત્તરાખંડમાં પણ 3.04 ટકાની વૃદ્ધિ કરવામાં આવી છે. મનરેગાના નવા મજૂરી દર 1 એપ્રિલ 2024થી પ્રભાવી થશે.

અધિસુચના અનુસાર મનરેગા મજૂરીનો ઉચ્ચ દર (374 રૂપિયા પ્રતિદિવસ) હરિયાણા માટે નકકી ગયો છે. જ્યારે સૌથી ઓછો 234 રૂપિયા પ્રતિદિવસ અરુણાચલ પ્રદેશ અને નાગાલેન્ડ માટે છે. ચાલુ નાણાકીય વર્ષમાં રાજ્યદીઠ વૃદ્ધિની વાત કરવામાં આવે તો ગોવામાં 10.56 ટકા (34 રૂપિયા)ની વૃદ્ધિ થઈ છે. જેનાથી નાણાકીય વર્ષ 2024-25 માઠે ગોવામાં મજૂરી દર 356 રૂપિયા પ્રતિદિન થયો છે. વર્તમાનમાં આ દર 322 રૂપિયા છે. કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તેલંગણ એવા ત્રણ રાજ્ય છે જયાં મનરેગા મજૂરીમાં 10 ટકાથી વધુની વૃદ્ધિ થઈ છે.

રિપોર્ટ અનુસાર કર્ણાટકમાં નવો મજુરી દર 349 રૂપિયા હશે. જે વર્તમાન 316 રૂપિયાથી 10.44 ટકા વધારે છે. આંધ્રપ્રદેશ અને તેલંગણ માટે 300 રૂપિયા પ્રતિદિવસની મજૂરી નક્કી થઈ છે. જે ચાલુ નાણાકીય વર્ષના 272 રૂપિયા પ્રતિદિવસની તુલનાએ 10.29 ટકા વધારે છે. મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં       સમાન મજૂરી દર છે. બન્ને રાજ્યમાં 10 ટકાની વૃદ્ધિ થઈ છે. ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ મનરેગા હેઠળ મજૂરી દર સમાન છે. જેમાં 3.04 ટકાની વૃદ્ધિ કરવામાં આવી છે.  આઠ અન્ય રાજયમાં 5 ટકા કરતા નીચેની વૃદ્ધિ થઈ છે. જેમાં હરિયાણા, આસામ, મણિપુર, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, રાજસ્થાન, કેરળ અને લક્ષદ્વીપ સામેલ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક