• શનિવાર, 27 એપ્રિલ, 2024

અમેરિકા નહીં સુધરે; ફરી બકબક કરી

આંતરિક મામલામાં હસ્તક્ષેપ અનુચિત અને અસ્વીકાર્ય : ભારતનો અમેરિકાને જવાબ

 આનંદ કે. વ્યાસ

વાશિંગ્ટન, તા. 28 : કેજરીવાલની ધરપકડ મામલે અમેરિકાએ ફરી એકવાર નિવેદન આપ્યું છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે બુધવારે રાત્રે પ્રેસ બ્રાફિંગ દરમિયાન કહ્યું કે, અમે અમારા વલણ પર કાયમ છીએ અને તેનાથી કોઈને પણ કોઈ વાંધો ન હોવો જોઈએ. અમે આશા રાખીએ છીએ કે આ કેસમાં કાનૂની પ્રક્રિયા નિષ્પક્ષ, પારદર્શક અને સમયસર પૂર્ણ થશે.  અમેરિકા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓ અનુચિત છે અને એની સામે સખત વિરોધ નોંધાવવામાં આવ્યો હોવાનું વિદેશ મંત્રાલયે ગુરુવારે પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું.

આ સિવાય અમેરિકાએ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલાં બેંક ખાતાંઓ ફ્રીઝ કરવા પર પણ નિવેદન આપ્યું હતું. મેથ્યુ મિલરે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે ટેક્સ ઓથોરિટીએ તેમના બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી દીધા છે. જેના કારણે તેમને ચૂંટણી પ્રચારમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. અમે આશા રાખીએ છીએ કે  નિષ્પક્ષ કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરવામાં આવશે.

અમેરિકાનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે બુધવારે જ ભારતના વિદેશ મંત્રાલયે આ મામલે અમેરિકન રાજદ્વારી ગ્લોરિયા બારનાને સમન્સ પાઠવ્યો હતો. તેમની વચ્ચે લગભગ 40 મિનિટ સુધી બેઠક ચાલી હતી. આ મામલે એક સવાલ પર બુધવારે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ કહ્યું- હું રાજદ્વારી વાતચીત વિશે માહિતી આપી શકતી નથી.

ખરેખરમાં, અમેરિકાએ પણ અરાવિંદ કેજરીવાલની ધરપકડ મામલે મંગળવારે (26 માર્ચ) રાત્રે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, અમારી સરકાર કેજરીવાલની ધરપકડ મામલે નજર રાખી રહી છે. આ અંગે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. આ દરમિયાન કાયદા અને લોકશાહીનાં મૂલ્યોનું પાલન કરવું જોઈએ.

વિદેશ મંત્રાલયે કહ્યું કે, ભારતે અમેરિકાના વિદેશ વિભાગ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી અંગે અમેરિકન દૂતાવાસના વરિષ્ઠ અધિકારીઓ સમક્ષ સખત વાંધો અને વિરોધ નોંધાવ્યો છે. વિદેશ વિભાગની ટિપ્પણીઓ અનુચિત છે. ભારતમાં કાયદાકીય પ્રક્રિયાઓ કાયદા હેઠળ ચાલે છે. જેઓ લોકશાહીને અનુસરે છે, ખાસ કરીને સાથી લોકતંત્રો દ્વારા, તેમને આ સત્યની સરાહના કરવામાં કોઈ મુશ્કેલી નહીં હોવી જોઈએ. ભારતને પોતાના સ્વતંત્ર અને મજબૂત લોકતાંત્રિક સંસ્થાનો પર ગર્વ છે. દેશના ન્યાયિક અને લોકતાંત્રિક સંસ્થાનોને ‘કોઈપણ પ્રકારના અનુચિત બાહ્ય પ્રભાવથી’ બચાવવા ભારત સરકાર પ્રતિબદ્ધ હોવા પર પણ ભાર મૂક્યો. વિદેશ મંત્રાલયે કહ્યું કે, પરસ્પર સન્માન અને સમજણ આંતરરાષ્ટ્રીય સંબંધોનો પાયો રચે છે અને રાજ્યો પાસેથી અન્યોની સંપ્રભૂતા અને આંતરિક બાબતોનું સન્માન કરવાની અપેક્ષા રાખવામાં આવે છે.

ઇ-પેપરના નવા શુલ્ક