• રવિવાર, 28 એપ્રિલ, 2024

કેજરીવાલની ધરપકડમાં માથું ન મારવા અમેરિકાને ભારતની ટકોર

કેજરીવાલની ધરપકડ પર

ટિપ્પણીથી નારાજગી સાથે

અમેરિકી રાજદ્વારીને બોલાવ્યા

નવી દિલ્હી, તા. 27 : અરવિંદ કેજરીવાલની ધરપકડ પર અમેરિકાની ટિપ્પણીથી નારાજ થયેલાં ભારતે બુધવારે અમેરિકી રાજદ્વારી ગ્લોરિયા બર્બેનાને બોલાવ્યા હતા અને સ્પષ્ટ કહી દીધું હતું કે, ભારતના આંતરિક મામલામાં દખલ સ્વીકાર્ય નથી.

ભારતીય વિદેશ મંત્રાલયે બોલાવતાં બર્બેના બપોરે એક અને 10 મિનિટે પહોંચ્યાં હતાં. 40 મિનિટ ચાલેલી બેઠકમાં ભારતે કહ્યું હતું કે, અમેરિકા અમારાં ન્યાયતંત્ર પર સવાલ ન ઉઠાવે.

ભારતમાં કાયદાની કાર્યવાહી પર અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવકતાનું નિવેદન અયોગ્ય છે. કૂટનીતિમાં આશા રખાય છે કે, દેશ એક બીજાના આંતરિક મામલા અને સંપ્રભુતાનું સન્માન કરશે, તેવો સંદેશ ભારતે આપ્યો હતો. બન્ને દેશ લોકતાંત્રિક હોય ત્યારે આવી અપેક્ષા ઘણી વધી જાય છે, નહિતર અવ્યવસ્થાની સ્થિતિ વધી જાય છે, તેવું વિદેશ મંત્રાલયે કહ્યું હતું.

ભારતે અમેરિકી રાજદ્વારીને બોલાવતાં સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે, ભારતમાં કાનૂની પ્રક્રિયા સ્વતંત્ર ન્યાયપાલિકા પર આધારિત છે. તેના પર કલંક લગાવવા કે સવાલ ઉઠાવવાનાં કૃત્યો સ્વીકારી લેવાશે નહીં.

અમેરિકાએ કહ્યું હતું કે, કેજરીવાલની ધરપકડના અહેવાલ પર અમારી નજર છે. અમે નિષ્પક્ષ કાનૂની પ્રક્રિયાને પ્રોત્સાહિત કરીએ છીએ.

પહેલાં જર્મની, પછી અમેરિકાના આ પ્રકારના ચંચુપાત સામે નારાજગી સાથે ભારતે કહી દીધું છે કે, આવી દખલ સહન કરી લેવાશે નહીં.

------------

હાઈ કોર્ટમાંથી કેજરીવાલને ઝટકો : રાહત ન મળી

નવી દિલ્હી, તા. 27 : આબકારી નીતિ મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દિલ્હી હાઈકોર્ટમાંથી રાહત મળી નથી. કોર્ટે કેજરીવાલની ધરપકડ સામે ઈડીને જવાબ દાખલ કરવા માટે બે એપ્રિલ સુધીનો સમય આપવામાં આવ્યો છે. આ મામલે આગામી સુનાવણી 3 એપ્રિલના રોજ કરવામાં આવશે. કેસની સુનાવણી બુધવારે સવારે શરૂ થઈ હતી. અરવિંદ કેજરીવાલની ઈડીએ લગભગ બે કલાકની પુછપરછ બાદ 21મી માર્ચે તેમના સત્તાવાર આવાસેથી ધરપકડ કરી હતી. દિલ્હી શરાબ કૌભાંડમાં રાઉઝ એવન્યુ કોર્ટે 28 માર્ચ સુધી ઈડીની હિરાસતમાં મોકલી દીધા હતા.

ઈડી તરફથી ધરપકડ અને કસ્ટડીને પડકારતી કેજરીવાલની અરજી ઉપર જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માની અદાલતે નોટિસ જારી કરીને ઈડી પાસે જવાબ માગ્યો છે. કેજરીવાલની વચગાળાની રાહતની અરજી ઉપ્ર એજન્સીએ બે એપ્રિલ સુધીમાં જવાબ દાખલ કરવો પડશે. અદાલત હવે ત્રીજી એપ્રિલના રોજ સુનાવણી કરશે. કેજરીવાલના વકીલોએ દિલ્હીના મુખ્યમંત્રીની મુક્તિ માટે તત્કાળ સુનાવણીની માગ કરી હતી. જો કે ઈડીએ તત્કાળ સુનાવણીનો વિરોધ કર્યો હતો અને કેજરીવાલની એપ્લીકેશન અને રિટ અરજી ઉપર જવાબ દાખલ કરવા માગે સમય માગયો હતો. હાઈકોર્ટે બુધવારે ઈડીને જવાબ દાખલ કરવા માટે બે એપ્રિલ સુધીનો સમય આપ્યો હતો અને ત્રીજી એપ્રિલે વધુ સુનાવણી નક્કી કરી હતી.

દિલ્હીના સીએમ કેજરીવાલનો પક્ષ રજૂ સીનિયર વકીલ અભિષેક મનુ સિંઘવીએ રાખ્યો હતો. તેમણે અદાલતમાં કહ્યું હતું કે તેઓ અમુક મહત્વની વાત કરવા માગે છે. જેના ઉપર ઈડીનો પક્ષ રાખતા એએસજી એસવી રાજૂએ કહ્યું હતું કે ઘણી વાત જરૂરી હોય શકે છે પણ ઈડી તરફથી જવાબ દાખલ કરવો જરૂશ્રી છે. જેના ઉપર કેજરીવાલના વકીલે કહ્યું હતું કે અરજકર્તા કસ્ટડીમાં છે જો કે તેની પહેલા જ ઈડીના વકીલ બોલવા લાગ્યા હતા. કેજરીવાલના વકીલે કહ્યું હતું કે મોડી રાત્રે અરજીના ડિફેક્ટ ક્યોર થયા છે તો કોપી કેવી રીતે દઈ શકાય ?

જેના ઉપર ઈડીના વકીલે કહ્યું હતું કે ડિફેક્ટ ધરાવતી કોપી આપી દેવી જોઈતી હતી. તે કેવી રીતે નિર્ણય કરી શકે કે જવાબ દેવાની જરૂર છે કે નહી. ત્યારબાદ સિંઘવીએ સમય બરાબાદ કરવાની કોશિશનો આરોપ મુક્યો હતો. તેમણે કહ્યું હતું કે તેઓ રિમાન્ડને પણ પડકારી રહ્યા છે. આવતીકાલે કેજરીવાલની રિમાન્ડ પુરી થઈ રહી છે એટલે મામલો તત્કાળ સાંભળવામાં આવે. આ દરમિયાન કોર્ટે ઈડીને જવાબ આપવા માટે સંક્ષિપ્ત સમય આપવાની વાત કરી હતી. કોર્ટે કહ્યું હતું કે મામલાની સુનાવણી અને  ફેંસલો કરતા સમયે અદાલત પ્રાકૃતિક ન્યાયના સિદ્ધાંતોને ધ્યાને લઈને બન્ને પક્ષોને નિષ્પક્ષ રીતે સાંભળવા માટે બાધ્ય છે. વર્તમાન મામલે નિર્ણય લેવા માટે ઈડીનો જવાબ જરૂરી અને મહત્વપુર્ણ છે. હાઈકોર્ટે કેજરીવાલના પક્ષની દલીલ ખારિજ કરી દીધી હતી. જેમાં કહ્યું હતું કે ઈડીના જવાબની કોઈ જરૂર નથી.

 

ઇ-પેપરના નવા શુલ્ક