• શનિવાર, 27 એપ્રિલ, 2024

જમ્મુ-કાશ્મીર થશે સંપૂર્ણ ‘આઝાદ’!

-ઐતિહાસિક પહેલ : કેન્દ્રીય દળોની વાપસી - એએફએસપીએ હટાવવા

ગૃહમંત્રી શાહનો સંકેત : સ્થાનિક રાજકારણીઓએ ગણાવ્યું ચૂંટણી લક્ષી એલાન

 

નવી દિલ્હી, તા.ર7 : લોકસભા ચૂંટણી અને ત્યાર બાદ યોજાનારી જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે એક મોટા નિર્ણયમાં જમ્મુ-કાશ્મીરમાંથી કેન્દ્રીય દળો પાછા ખેંચી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પોલીસને સોંપવાનો સંકેત આપ્યો છે. જો કે પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા સહિત જમ્મુ-કાશ્મીરના સ્થાનિક રાજકીય અગ્રણીઓએ આને ચૂંટણી લક્ષી એલાન ગણાવ્યું છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જમ્મુ-કાશ્મીરમાંથી લશ્કરી દળો પાછા ખેંચવા અંગે ઐતિહાસિક નિર્ણય અંગે વાત કરતાં કહ્યંy કે કાયદો-વ્યવસ્થાના સંચાલન માટે જમ્મુ-કાશ્મીર પોલીસ પૂરતી હશે એટલે આર્મી અને સીઆરપીએફ દળોને પાછા ખેંચી લેવાશે. મીડિયા સાથેની વાતચીતમાં ગૃહમંત્રી શાહે ઉપરોકત વાત કહી હતી. વધુમાં તેમણે કહ્યંy કે જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી બાદ કેન્દ્રીય દળોની વાપસીની પ્રક્રિયા શરૂ થઈ જશે. ઉપરાંત જમ્મુ-કાશ્મીરમાંથી આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર્સ એકટ (એએફએસપીએ) પાછો ખેંચવા પણ વિચાર કરાશે.

શાહના આવા એલાન અંગે માનવામાં આવે છે કે જમ્મુ-કાશ્મીરની આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાને લઈને કેન્દ્ર સરકારે મોટો દાવ ખેલ્યો છે. મીડિયા સાથે ઇન્ટરવ્યૂમાં શાહે કહયુ કે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 નાબૂદી કર્યા બાદ પાકિસ્તાન સમર્થક અલગાવવાદી તત્ત્વો હાંસિયામાં ધકેલાઈ ગયા છે અને શાસન-પ્રશાસનમાં જનભાગીદારી વધી છે. ર019 પછી આતંકવાદ અને પથ્થરબાજીમાં ઘટાડો નોંધાયો છે. શાહની આવી વાત પાછળ જમ્મુ-કાશ્મીરની જનતા માટે મોટો સંદેશો છૂપાયેલો હોવાનું કહેવાય છે. સુપ્રીમ કોર્ટે 30મી સપ્ટેમ્બર સુધીમાં જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી કરાવવાનો નિર્દેશ આપેલો છે જેને ધ્યાને લેતાં ગૃહમંત્રી શાહનું આવું એલાન સૂચક છે.

જમ્મુ-કાશ્મીરમાં કેન્દ્રીય દળોની તૈનાતી અને એએફએસપીએ લાગુ હોવાથી ઘણી સખતાઈ દાખવવામાં આવે છે. જેથી સ્થાનિકો માને છે કે રોજબરોજનાં જીવનમાં તેમને પૂરતી આઝાદી મળતી નથી. જો કે આતંકવાદી અને અલગાવવાદી ગતિવિધિઓને કારણે સુરક્ષા વ્યવસ્થા સજ્જડ રાખવી પણ એટલી જ જરૂરી છે. આર્ટિકલ 370ની નાબૂદી બાદ હવે જમ્મુ-કાશ્મીરમાં કેન્દ્રીય દળોની વાપસીનો રસ્તો તૈયાર થઈ રહ્યો છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક