• શનિવાર, 27 એપ્રિલ, 2024

પાક.માં ફિદાઇન હુમલો : 6 ચીની નાગરિકનાં મૃત્યુ

ચીની એન્જિનિયરોનાં વાહન સાથે વિસ્ફોટક ભરેલી કાર અથડાવાઈ : નેવલ બેઝ પર પણ હુમલો-4 આતંકી ઠાર

ઈસ્લામાબાદ, તા.ર6 : પાકિસ્તાનમાં એક આત્મઘાતી હુમલામાં 6 ચીની નાગરિકનાં મૃત્યુ થયાં છે. આતંકીઓએ વિસ્ફોટક ભરેલી કારને ચીની એન્જિનિયરોનાં વાહન સાથે અથડાવીને આત્મઘાતી હુમલો કર્યો હતો. જેને પગલે ચીની એન્જિનિયરોનું વાહન ઊંડી ખાઈમાં ખાબક્યું હતું. અન્ય એક હુમલો નેવલ એરબેઝ પર કરાયો હતો જેમાં એક સૈનિકનું મૃત્યુ થયુ અને 4 આતંકી ઠાર મરાયા હતા.

વધુ એક ફિદાઈન હુમલામાં ચીની નાગરિકોના મૃત્યુ બાદ પાકિસ્તાનમાં ચીની નાગરિકોની સુરક્ષા મામલે પાકિસ્તાન સરકારને ફરી એકવાર ચીનને જવાબ આપવો પડી શકે છે. અગાઉ પણ ચીની નાગરિકોને નિશાન બનાવી કરાયેલા હુમલા બાદ ચીન સરકારે નારાજગી વ્યક્ત કરી હતી.

ખૈબર પખ્તૂનવામાં ચીની એન્જિનિયરોને નિશાન બનાવીને ફિદાઇન એટેક કરવામાં આવ્યો હતો. આતંકવાદીઓના નિશાને ચીની નાગરિકો હતા. સ્થાનિક મીડિયા અનુસાર પાકિસ્તાનના નેવલ એરબેઝ ઉપર પણ આતંકી હુમલો કરવામાં આવ્યો છે જેમાં એક સૈનિકનું મૃત્યુ થયું અને અથડામણમાં 4 આતંકી માર્યા ગયા હતા. આ એરબેઝ ચીન પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર માટે મહત્ત્વનો છે.

ઉલ્લેખનીય છે કે, બલૂચિસ્તાનમાં વર્ષોથી સ્થાનિકો પાકિસ્તાન સરકાર વિરુદ્ધ વિદ્રોહ કરે છે. ચીને અહીં મોટા પાયે રોકાણ કર્યું છે. બલૂચિસ્તાનનો એક મોટો વિસ્તાર ચીન-પાકિસ્તાનના સીપીઇસી પ્રોજેક્ટમાં છે જેનો બલૂચિસ્તાન લિબરેશન આર્મી વિરોધ કરે છે અને છાશવારે હુમલા કરે છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક