• શનિવાર, 27 એપ્રિલ, 2024

ગુજરાત માટે બે દિવસ અતિભારે: દરિયાકાંઠે એલર્ટ

બિપોરજોય વાવાઝોડાનાં પગલે તમામ બંદરો પર બે નંબરનું સિગ્નલ, વાવાઝોડાનાં કારણે ભારે પવન સાથે વરસાદની આગાહી: તંત્ર એક્શન મોડમાં

અમદાવાદ, તા.7: બે વર્ષ પહેલા આવેલા તૌકતે વાવાઝોડાએ ભારે નુકસાની સર્જી હતી અને એની હજુ માંડ કળ વળી છે ત્યારે ગુજરાત પર વધુ એક આફતનો ખતરો તોળાઈ રહ્યો છે. જેને લઈને દરિયાકાંઠાના વિસ્તારવાસીઓના જીવ ઉંચા થઈ ગયા છે. પોરબંદરથી 1060 કિમીના અંતરે દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન કિલોમીટરની ઝડપે ઉત્તર તરફ આગળ વધીને ચક્રવાતમાં ફેરવાયું છે. જેનાં કારણે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતનાં તમામ બંદરો પર બે નંબરનું સિગ્નલ પણ લગાવામાં આવ્યું છે. સાથે માછીમારોને 14 જૂન સુધી દરિયો ન ખેડવા ચેતવણી અપાઈ છે ત્યારે બિપરજોય ચક્રવાતને લઈને ગુજરાત સરકાર પણ એલર્ટ મોડમાં આવી ગઈ છે અને બેઠકોનો દૌર શરૂ કર્યો છે. 

હવામાન નિષ્ણાતોના મત મુજબ, હાલ વાવાઝોડું ગોવાથી પશ્ચિમ-દક્ષિણ સમુદ્રમાં 900 કિલોમીટર દૂર છે જ્યારે મુંબઈથી દક્ષિણ-પશ્ચિમ સમુદ્રમાં 1 હજાર 20 કિલોમીટર દૂર અને પોરબંદરથી વાવાઝોડું દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ સમુદ્રમાં 1 હજાર 60 કિલોમીટરના અંતરે છે. આગામી 24 કલાકમાં વાવાઝોડાની અસર વર્તાવાની સંભાવનાઓ છે. આવતીકાલે બપોરથી વાવાઝોડું વધારે ખતરનાક બનવાની શક્યતા છે અને 9 જૂનની સાંજ સુધી તેના પ્રચંડ સ્વરૂપ લેવાની સંભાવના છે. આ દરમિયાન કોંકણ, ગોવા, મહારાષ્ટ્રના કિનારા પર 10 જૂન સુધી સમુદ્રમાં ખૂબ જ ઊંચી લહેરો ઊઠવાની સંભાવના છે જ્યારે 11 જૂન બપોર સુધી વાવાઝોડું રૌદ્ર સ્વરૂપ સાથે આગળ વધી શકે છે. આને પગલે આગામી તા. 11 અને 12 જૂનના રોજ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ ત્રાટકી શકે છે. બીજી બાજુ કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના દરિયા કિનારે અંદાજે 40થી 50 કિલોમીટરની ઝડપે ભારે પવન આવે તેવી શક્યતા જોવા મળી રહી છે. 

બીજી તરફ  બિપોરજોય વાવાઝોડા મુદ્દે ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ દ્વારા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે બિપોરજોય વાવાઝોડું ગુજરાતથી દૂર રહેશે અને ઓમાન બાજુ ફંટાવાની શક્યતા વધુ જોવાઈ રહી છે. તો બીજી તરફ જો વાવાઝોડું ગુજરાત તરફ આવે તો કરાંચી બાજુ જવાની સંભાવના પણ વ્યક્ત કરાઈ છે.

વડોદરા: બિપોરજોય ચક્રવાતને ધ્યાનમાં રાખીને દક્ષિણ ગુજરાતમાં પણ તંત્ર એલર્ટ બન્યું છે. સાવચેતીના ભાગ રૂપે સુરતનો ડુમસ અને સુવાલી બીચ પણ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. આ ચક્રવાતની અસર સુરતના ત્રણ તાલુકાને થવાની શક્યતા છે. જેને લઈને ચોર્યાસી, મજુરા અને ઓલપાડનાં 42 ગામને એલર્ટ કરીને જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે. ઇન્ચાર્જ કલેક્ટર બી. કે. વસાવાએ જણાવ્યું હતું કે, જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા સંભવિત વાવાઝોડાની સ્થિતિને પહોંચી વળવા માટે સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવી છે. હાલમાં આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે પણ 24 કલાક કન્ટ્રોલ રૂમ કરી દેવામાં આવ્યો છે. બીજી તરફ હરસંભવ સ્થિતિને પહોંચી વળવા માટે વાવ ખાતે એનડીઆરએફની એક ટીમ સ્ટેન્ડ બાય મૂકવામાં આવી છે.     

દ્વારકા: જિલ્લા કલેક્ટર અશોક શર્માના જણાવ્યા અનુસાર જિલ્લા કક્ષાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમ તેમજ તાલુકાઓમાં કન્ટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે.

ચોમાસું મોડું પડયું પણ સામાન્ય રહેશે

ચિંતાની કોઇ જરૂર નથી, હવામાન તંત્રના વૈજ્ઞાનિકનો વર્તારો;

નવી દિલ્હી, તા. 7 : ચોમાસું મોડયું પડયું હોવાથી ઉચાટ વચ્ચે આશ્વાસનરૂપ વર્તારામાં  હવામાનતંત્ર કહે છે કે, ગભરાવાની જરૂર નથી. ચોમાસું વિલંબથી આવવા છતાં સામાન્ય રહેશે.

પહેલી જૂનના દિવસે પહોંચવાનું હતું તે ચોમાસું પાંચ દિવસથી કેરળના કાંઠાથી 400 કિ.મી. દૂર અટકેલું છે.

ભારતીય મોસમ વિજ્ઞાન વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો. રાજેન્દ્રકુમાર જેનામનીએ જણાવ્યું હતું કે, ચોમાસાંના મોડેથી આવવાનો મતલબ એવો નથી કે, વરસાદ પણ ઓછો થશે. આ વરસે ચોમાસું વરસાદ સામાન્ય રહેશે, તેવું અનુમાન છે તેવું દરિયાઇ તોફાનોની

આગાહી કરવામાં માહેર વૈજ્ઞાનિકે ઉમેર્યું હતું.

ડો. જેનામનીએ જણાવ્યું હતું કે, આઝાદ ભારતના ઇતિહાસમાં છ વાર જ એવું બન્યું છે, જ્યારે સામાન્ય નિશ્ચિત તારીખ એટલે કે, પહેલી જૂને જ ચોમાસાંએ કેરળનો કાંઠો ભીંજવ્યો હોય.

ઉપરાંત 11 વખત ચોમાસું 25મેથીયે પહેલાં અને 11 વાર સાતમી જૂન બાદ આવ્યું હોય એવું બન્યું છે.

ઉલ્લેખનીય છે કે, જે આઠ વર્ષમાં સામાન્ય કરતાં 10 ટકા વધુ વરસાદ થયો તેમાં 1983નું વર્ષ પણ સામેલ છે, જ્યારે ચોમાસું 13મી જૂનના આવ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક