• શુક્રવાર, 27 નવેમ્બર, 2026

રાજ્યની 175 હાઈવે હોટેલમાં ગંદકી, વાસી ખોરાક !

ફ્રોઝન ડેઝર્ટ વેચનારાઓ સામે આરોગ્ય મંત્રીની લાલ આંખ; રાજ્યવ્યાપી ઝુંબેશમાં 1,477 સ્થળ પર સઘન તપાસ ઃ 32 સ્થળે ફ્રોઝન ડેઝર્ટ વેંચાતું હતું

 

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.26 ઃ રાજ્યના નાગરિકોને શુદ્ધ અને આરોગ્યપ્રદ ખોરાક મળી રહે તે માટે આરોગ્ય વિભાગના ફૂડ એન્ડ ડ્રગ્સ તંત્ર દ્વારા રાજ્યવ્યાપી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ વિશેષ અભિયાન અંતર્ગત આઈક્રીમ-ફ્રોઝન ડેઝર્ટના એકમો તથા મુખ્ય હાઈવે હોટેલો મળીને રાજ્યભરમાં કુલ 1,477 સ્થળે સઘન ચાકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

આઈક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટની કામગીરી ઝુંબેશ અંગે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, રાજ્યમા આઈક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટની તપાસ હેઠળના કુલ 786 એકમો પૈકી 590 એકમોમાં માત્ર આઈક્રીમ, 32 એકમોમાં ફક્ત ફ્રોઝન ડેઝર્ટ અને 164 એકમમાં બંનેનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું હતું.

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના નિર્દેશ બાદ ગ્રાહક હિતના રક્ષણ અને સ્પષ્ટ જાણકારી માટે સંબંધિત આઈક્રીમના એકમોમાં ફરજિયાત બોર્ડ લગાવવાની કામગીરી શરૂ કરાઈ છે, જેથી આઈક્રીમના નામે ફ્રોઝન ડેઝર્ટ આપીને ગ્રાહકોને ગેરમાર્ગે દોરી ન શકાય.

તેમણે જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્ય હાઈવે પરની કુલ 691 હોટેલોની તપાસમાં 175 હોટેલમાં રસોડાની અસ્વચ્છતા, ગંદકી અને બિનઆરોગ્યપ્રદ રીતે ખોરાક પીરસાતો હોવાનું સામે આવ્યું હતું. આ તમામ એકમોને નોટિસ ફટકારાતા સંચાલકોએ સ્વયંભૂ બંધ રાખીને સફાઈ કરી ફૂડ સેફ્ટીના કાયદામાં જણાવ્યા મુજબ સુધારા કર્યા હતા, જ્યારે સંતોષકારક સ્થિતિ ધરાવતી અન્ય 516 હોટેલોને પણ વધુ સુધારા માટે સૂચના અપાઈ હતી.

વધુમાં, તપાસ દરમિયાન 14 હોટેલમાંથી શંકાસ્પદ અને બિનઆરોગ્યપ્રદ ખાદ્ય જથ્થો મળી આવતા તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે અને તેના નમૂના લઈને લેબોરેટરીમાં પૃથક્કરણ અર્થે મોકલી આપવામાં આવ્યા છે. જો પૃથક્કરણ રિપોર્ટમાં નમૂના નિષ્ફળ જશે કે કોઈ ગંભીર ખામી જણાશે, તો સંબંધિત હોટેલ સંચાલકો સામે નામદાર કોર્ટમાં કેસ દાખલ કરવાની તેમજ એકમને કાયમી ધોરણે સીલ કરવા સુધીની કડક કાર્યવાહી કરવા અધિકારીઓને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ સ્પષ્ટ સૂચના આપી છે.

તેમણે ચેતવણી આપતા જણાવ્યું હતું કે, મહાનગરપાલિકા વિસ્તાર હોય કે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ હેઠળનો વિસ્તાર, દરેક હોટેલ, રેસ્ટોરન્ટ તેમજ વિદ્યાર્થીઓની હોસ્ટેલના રસોડામાં સ્વચ્છતા જાળવવી અનિવાર્ય છે. ખાણીપીણીના એકમોના સ્ટાફ અને વેઈટર્સે ફરજિયાતપણે હેન્ડ ગ્લોવ્ઝ, માથા પર કેપ પહેરવા જ પડશે અને સ્વચ્છતા અંગેની તમામ જોગવાઇઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. 

ઇ-પેપરના નવા શુલ્ક