-રાજ્યમાં ઠંડીનો ચમકારો, માઉન્ટ આબુમાં પારો શૂન્ય ડિગ્રીએ
પહોંચ્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ, તા.21: અમદાવાદ, ઉત્તર ગુજરતા તથા સૌરાષ્ટ્રમાં શિયાળાની
જમાવટ થતા ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષા અને ઠંડા
પવનોને કારણે ગુજરાત સહિત સમગ્ર પશ્ચિમ ભારતમાં ગુલાબી ઠંડીનો અહેસાસ લોકો કરી રહ્યા
છે. રાજ્યના વિવિધ શહેરોમાં લઘુત્તમ તાપમાનમાં4 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાતા લોકોએ
વહેલી સવારથી જ કડકડતી ઠંડીનો અનુભવ કર્યો છે.
બીજી તરફ ઉત્તર ગુજરાતમાં પણ ઠંડીએ જમવાટ કરી હોય રાજસ્થાન સરહદે
આવેલા હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ઠંડીએ તમામ રેકોર્ડ તોડતા નવેમ્બર મહિનામાં પ્રથમ વખત
તાપમાન ગગડીને શૂન્ય ડિગ્રી પર પહોંચી ગયું છે. ગુજરાતના શહેરોમાં સરેરાશ તાપમાન કરતા
અડધાથી ચાર ડીગ્રીનો ઘટાડો નોંધાયો છે.
રાજ્યમાં અમરેલી 11.4 ડીગ્રી સાથે સૌથી ઠુંડુ શહેર રહ્યું છે.
જ્યારે કચ્છમાં નલિયામાં 11.8 ડિગ્રી તાપમાનો પારો નોંધાયો છે. પાટનગર ગાંધીનગરમાં
12 ડિગ્રી, અમદાવાદમાં 16 ડિગ્રી તથા બરોડામાં 13.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હોવાનું
હવામાન વિભાગના આંકડા જણાવે છે. દક્ષિણ ગુજરાતમાં તાપમાનનો પારો બે ડીગ્રી જેટલો નીચો
ગયો છે અને 16.6 ડિગ્રી આસપાસ રહ્યો છે. અન્ય શહેરોમાં ભાવનગર 16.8, ભુજ 17.3, ડીસા
16, રાજકોટમાં 13.2 અને પોરબંદરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
નિષ્ણાતોના મતે આગામી સમયમાં ઠંડીનું જોર વધવાની સાથે સૂકા પવનો
પણ ફૂંકાવાની સંભાવના છે. માઉન્ટ આબુમાં તાપમાનનો પારો અચાનક ગગડીને લઘુતમ શૂન્ય બિંદુએ
પહોંચી ગયો છે. એક જદિવસમાં તાપમાનમાં સીધો 5 ડિગ્રીનો મોટો ઘટાડો થતાં પારો શૂન્ય
પર પહોંચ્યો હોય સમગ્ર હિલ સ્ટેશન પર બર્ફીલી ઠંડીનું મોજું ફરી વળ્યું છે.