• રવિવાર, 22 નવેમ્બર, 2026

ઓપરેશન સિંદૂર : ચીનને અસલી ચહેરો ઉઘાડો પાડતું અમેરિકી આયોગ

 

 

પાક.ને પાછલા બારણેથી ચીને કરી હતી મદદ : એલએસી ઉપર પણ સેના વધારી રહ્યું છે ચીન

નવી દિલ્હી, તા.21: અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભલે 11 વખત ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ અટકાવ્યાનો દાવો કરી ચૂક્યા હોય પણ તેમનાં અધિકારીઓ ય જાણે છે કે, ભારતે પાકિસ્તાનને પહલગામ હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો હતો અને તે કરગર્યા પછી જ યુદ્ધ અટક્યું હતું. અમેરિકાનાં એક મહત્ત્વનાં સંસદીય પંચે માન્યું છે કે, ચીનને ભારતનાં વિકાસ અને આંતરરાષ્ટ્રીય અભિગમ ઉપર બહુ ખાર છે અને ભારતે જ્યારે ઓપરેશન સિંદૂર ચલાવ્યું ત્યારે ચીનને પણ પોતાની ભડાસ કાઢવાનો મોકો મળી ગયો હતો અને ઘર્ષણ દરમિયાન ચીને પાકિસ્તાનને સમર્થન કર્યુ હતું. અમેરિકા-ચીન આર્થિક અને સુરક્ષા સમીક્ષા આયોગનાં 2026નાં રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારતની વધતી અર્થવ્યવસ્થા અને સૈન્ય ક્ષમતાથી ચીન બેહદ ચીઢાયેલું છે. તેને ભારતની તાકાતનો ભય પણ સતાવી રહ્યો છે. 1962નાં યુદ્ધ બાદથી જ તે પાક.ને સદાબહાર દોસ્ત બનાવી બેઠેલું છે. ભારતને રોકવા માટે જ ચીન પાક.ને પોતાનું મિત્ર રાષ્ટ્ર બનાવી બેઠેલું છે.

આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 2020થી 2024 વચ્ચે ચીન પાક.ને 81 ટકા શત્રો પૂરા પાડતું રહ્યું અને ચીનની આ રણનીતિ ભારત સામે સીધા યુદ્ધમાં ઉતરવાનાં બદલે પાક.ને પાછળનાં બારણેથી મદદ કરવાની છે. ઓપરેશન સિંદૂર વખતે જ કહેવામાં આવ્યું હતું કે, પાક. દ્વારા ચીની શત્રોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. તે ચીનની આઈટી સિસ્ટમ, સંચાર ઉપકરણ અને ડિજીટલ સર્વિસનો પણ ઉપયોગ કરી રહ્યું હતું.

ભારત વિશે જાણકારીઓ એકત્ર કરવા માટે ચીન જાતજાતની ચાલબાજી અને પેંતરા કરતું રહે છે. ભારતની જાસૂસી કરવા માટે પાક. ચીનનાં ઉપગ્રહોનો ઉપયોગ કરે છે.

આ ઉપરાંત અહેવાલમાં એવું પણ નોંધવામાં આવેલું છે કે, વાસ્તવિક નિયંત્રણ રેખાએ ચીન પોતાની સૈન્ય ઉપસ્થિતિ વધારી રહ્યું છે. ભારતને એકથી વધુ મોરચે કમજોર કરવાનાં પ્રયાસો ચીન તરફથી ચાલુ રહે છે. જેનાં માટે ચીનમાંથી આયાત ઉપર ભારતની નિર્ભરતાનો ફાયદો પણ ઉઠાવવામાં આવે છે.

પહલગામ હુમલાની તપાસ : ભારત સાથે ચીનની દગાખોરી

ગત વર્ષે પહલગામમાં થયેલા હુમલા માટે આતંકવાદીઓએ રેકી કરવા, ગતિવિધિઓ ઉપર નજર રાખવા અને સંભવિત રેકોર્ડિંગ માટે ગો-પ્રો કેમેરાનો ઉપયોગ કર્યો હતો. આનાં વિશે એનઆઈએ દ્વારા ચીન પાસેથી જાણકારીઓ માગવામાં આવી હતી પણ એક વર્ષ જેટલો સમય વીતી જવા છતાં પણ ચીને તેનાં વિશે કોઈ જાણકારી આપી નથી. આવામાં સવાલ ઉઠે છે કે, ચીન દ્વારા પાક.નાં બચાવમાં આ દગાખોરી કરવામાં આવી રહી છે. એનઆઈએનાં વડા રાકેશ અગ્રવાલે જણાવ્યું હતું કે, પહલગામ આતંકી હુમલા માટે જવાબદાર આતંકીઓ પાસે અમેરિકામાં બનેલો ગ્રો-પ્રો હીરો 12 બ્લેક કેમેરા મળી આવ્યો હતો. આ અંગે ભારતનાં અનુરોધ પછી ચીને હજી સુધી કોઈ જવાબ આપ્યો નથી. આ ઉપરાંત તપાસમાં ઘણાં ફોરેન્સિક પુરાવાઓ પણ એકત્ર થયેલા છે. જેમાં જાણવા મળેલું કે, અમેરિકામાં બનેલો આ કેમેરા ચીનનાં એક ડિસ્ટ્રીબ્યુટર પાસેથી વિતરિત થયેલો હતો.

 

ઇ-પેપરના નવા શુલ્ક