બ્લાઇંડ
ક્રિકેટ એસોસિયેશન અને પાકિસ્તાની ક્રિકેટના પ્રમુખ સુલ્તાન શાહે ટેકનિકલ સમિતિનો ફેંસલો
પલટયો : કટ ઓફ સમય પહેલાં જ પાકિસ્તાનને ચેમ્યિપય ઘોષિત કરાવ્યું
નવી
દિલ્હી, તા. 21 : ક્રિકેટનાં મેદાન ઉપર હાર અને જીત રમતનો એક હિસ્સો છે. જો કે કોઈપણ
બોલ ફેંકાયા વિના કોઈ ટીમને વિજેતા ઘોષિત કરી દેવામાં આવે તો સવાલ ઉઠવો યોગ્ય છે. ઢાકામાં
રમાયેલા પુરુષ બ્લાઇંડ ક્રિકેટ એશિયા કપ 2026ના ફાઇનલમાં આવો જ ચોંકાવનારો બનાવ બન્યો
હતો. જેણે પૂરા ખેલ જગતને હેરાન કર્યું છે.
વરસાદના
કારણે મુકાબલો પૂરી રીતે ધોવાયા છતાં પણ પાકિસ્તાનને સારી નેટ રનરેટના આધારે ચેમ્પિયન
ઘોષિત કરી દેવાયું હતું. આ મામલે ભારતીય ટીમના કેપ્ટન દુર્ગારાવે પાકિસ્તાની સાજિશને
છતી કરી હતી. દુર્ગા રાવે કહ્યું હતું કે, ભારતીય ટીમ સવારથી જ મેદાન ઉપર હતી. સતત
વરસાદ પડી રહ્યો હતો અને અમ્પાયર વિલંબની વાત કરી રહ્યા હતા. ભારતીય ટીમને બતાવવામાં
આવ્યું હતું કે મેચ શરૂ થવાનો કટ ઓફ સમય 4.15 વાગ્યા સુધીનો છે. જો કે કટ ઓફ સમયથી
પહેલા ચાર વાગ્યે મેચ રેફરીએ ભારતીય કેપ્ટન, ટીમ મેનેજમેન્ટ અને પાકિસ્તાની ટીમના પ્રતિનિધિઓને
બોલાવીને પાકિસ્તાની ટીમને વિજેતા ઘોષિત કરી દીધી હતી.
દુર્ગા
રાવે સાફ શબ્દોમાં કહ્યું હતું કે, વર્લ્ડ બ્લાઇંડ ક્રિકેટ કાઉન્સિલના કોઈપણ નિયમમાં
લખેલું નથી કે જો ફાઇનલમાં એક પણ બોલ ન ફેંકાય તો નેટ રનરેટથી વિજેતા નક્કી થશે. જો
નિયમ હોય તો પોતે તેનો સ્વીકાર કરશે. જો કે નિયમ બન્યો જ નથી. ફાઇનલમાં ભારતીય ટીમ
સાથે અન્યાય થયો છે.
વધુમાં
અહેવાલ અનુસાર ટેકનિકલ સમિતિએ વરસાદના કારણે મેચ રદ થયા ઉપર ભારત અને પાકિસ્તાનને સંયુક્ત
વિજેતા જાહેર કરવાનો નિર્ણય લીધો હતો. જો કે વર્લ્ડ બ્લાઇંડ ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ
અને પાકિસ્તાની બ્લાઇંડ ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ સુલ્તાન શાહે ટેકનિકલ સમિતિના નિર્ણયને
પલટીને પાકિસ્તાનને વિજેતા જાહેર કરાવ્યું હતું.