• રવિવાર, 22 નવેમ્બર, 2026

દિહોરમાં આધેડની હત્યા, મહુવામાં જૂથ અથડામણમાં યુવકનું ઢીમ ઢાળ્યું

ભાવનગર, તા.21: ભાવનગર જિલ્લામાં બે અલગ-અલગ સ્થળે બનેલી હત્યાની ઘટનાઓથી ચકચાર મચી ગઈ છે. તળાજાના દિહોર ગામે વાડીમાં મગફળી કાઢવાના કામ દરમિયાન થયેલી બોલાચાલીમાં ઉશ્કેરાયેલા શખ્સે પાવડાનો ઘા ઝીંકી આધેડની હત્યા કરી નાખી હતી. જ્યારે મહ્નવા શહેરમાં ક્રિકેટ મેચ રમવા બાબતે ચાલી આવતી જૂની અદાવતે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં બે જૂથ વચ્ચે ઘાતક હથિયારો સાથે અથડામણ થઈ હતી, જેમાં એક યુવકનું મૃત્યુ થયું હતું અને આઠ લોકો ઘાયલ થયા હતા.

તળાજાના દિહોર ગામે દિગુભા ગોહિલની વાડીમાં માલઢોરના તબેલામાં કામ કરતા ભરતભાઈ તુલસીભાઈ દલસાણીયા (ઉ.વ.પપ) અને મગફળી કાઢવાના કામે રોકાયેલા સંજય નામના શખ્સ વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. જોતજોતામાં મામલો ઉગ્ર બનતાં સંજયે પાવડાથી ભરતભાઈના માથામાં ઘા ઝીંકી દીધો હતો. ગંભીર ઈજાના કારણે તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. બનાવની જાણ થતાં તળાજા પોલીસ દોડી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આરોપી સંજય અંગે તપાસ શરૂ કરી હતી.

બીજી તરફ મહુવા શહેરમાં વડલીના ગેટ પાસે નાસ્તાની લારી ચલાવતા શિવમ ઉર્ફે સન્ની અને સંદીપ ઉર્ફે સરપંચ ભરવાડ વચ્ચે અગાઉ વાઘનગર ખાતે ક્રિકેટ મેચ રમવા બાબતે માથાકૂટ થઈ હતી. આ મામલે બન્ને પક્ષે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી. જૂની અદાવતનો ખાર રાખી આજે બપોરે અશ્વિન બાંભા, નરેશ ભરવાડ, ભોળા ભરવાડ, સંદીપ ઉર્ફે સરપંચ સહિતના શખ્સો બે મોટર સાઈકલ પર શિવમની લારીએ પહોંચ્યા હતા. ત્યાં શિવમ, તેના પિતા મુકેશ ઉર્ફે મુન્નો, ભાઈ કાર્તિક અને કાકા લાલજી સાથે સામસામે જૂથ અથડામણ થઈ હતી. આ દરમિયાન ભોળા ભરવાડને છરીના ઘા વાગતા સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે બન્ને પક્ષના આઠ લોકોને ઈજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ઘટનાની જાણ થતાં મહુવા ટાઉન પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને વધુ અથડામણ ન થાય તે માટે બંદોબસ્ત ગોઠવ્યો હતો. બન્ને પક્ષે કુલ દસ શખ્સો સામે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મહુવામાં બનેલી આ ઘટનાથી શહેરમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

 

ઇ-પેપરના નવા શુલ્ક