• શનિવાર, 21 નવેમ્બર, 2026

આંગડિયાના નામે રૂ.8.33 લાખની નકલી નોટો પધરાવતી ગેંગ ઝડપાઈ

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.20: આંગડિયા મારફતે નાણાં મંગાવતા વેપારીઓને નિશાન બનાવી નકલી નોટોના બંડલ પધરાવી છેતરાપિંડી આચરતી આંતરરાજ્ય ગેંગનો અમદાવાદમાં પર્દાફાશ થયો છે. ઘાટલોડિયા પોલીસે પારસનગર પેટ્રોલ પંપ પાસે છટકું ગોઠવી દિલ્હી અને રાજસ્થાનના બે શખસોને રૂ.500ના દરની 1,666 નકલી નોટો સાથે ઝડપી લીધા છે.

ઝડપાયેલા આરોપીઓમાં દિલ્હીના રાહ્નલાસિંગ વિજયાસિંગ ઠાકુર (ઉં.23) અને રાજસ્થાનના બિકાનેરના માલચંદ શર્મા (ઉં.30)નો સમાવેશ થાય છે. તેમની પાસેથી રૂ.8.33 લાખની નકલી નોટો અને બે મોબાઈલ ફોન કબજે કરાયા છે. આ ટોળકીએ અગાઉ ઊંઝાના જીરું-વરિયાળીના વેપારી રોહિતકુમાર પટેલને આંગડિયા મારફતે રૂ.40 લાખની નકલી નોટો પધરાવી હતી.

વેપારીને નાગપુરથી આંગડિયા મારફતે મળેલા થેલામાં આઈસીઆઈસીઆઈ બેંકની પટ્ટી લગાવેલા બંડલ હતાં, પરંતુ તપાસ કરતાં તમામ નોટો પર ચિલ્ડ્રન બેંક ઓફ ઈન્ડિયા લખેલું હોવાનું ખુલ્યું હતું. ત્યારબાદ આરોપીઓને પકડવા ફરીથી આંગડિયા મારફતે પેમેન્ટ પહોંચાડવાની ગોઠવણ કરાઈ હતી. 19 નવેમ્બરે આરોપીઓ નોટો બતાવી રહ્યા હતા ત્યારે પોલીસે દરોડો પાડી બંનેને ઝડપી લીધા હતા. નોટો પહોંચાડવા બદલ દરેકને રૂ.5 હજાર આપવાની લાલચ અપાઈ હતી. પોલીસે પાંચ શખસો સામે ગુનો નોંધી અન્ય ત્રણ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક