બસ સ્ટેન્ડ પાસે કાર રોકાવી ઉપસરપંચના બે પુત્રોને માર માર્યો, એકને માથામાં ગંભીર ઈજા થતાં વેરાવળ રીફર
તાલાલા,
તા.21: તાલાલા તાલુકાના રમળેચી ગિર ગામે વાહનને સાઈડ આપવા જેવી સામાન્ય બાબતે થયેલી
બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં મારામારીનો બનાવ બન્યો હતો. આ ઘટનામાં એક યુવાનને
માથાના ભાગે ગંભીર ઈજા થતાં સારવાર માટે વેરાવળ ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે તાલાલા
પોલીસે બંને પક્ષની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.
પોલીસમાં
નોંધાયેલી વિગતો મુજબ, રમળેચી ગિર ગામના ઉપસરપંચના પુત્ર રવિરાજ રમેશભાઈ અઘેરા ઉર્ફે
રવિ (ઉં.વ.32) અને તેમના ભાઈ મિલન રાજકોટથી તાલાલા આવી રહ્યા હતા. સાંજે સાત વાગ્યે
તાલાલા-સાસણ રોડ પર સાંગોદ્રા ગિર રેલવે ફાટક પાસે બાઈકચાલક નિયતભાઈ ભરતભાઈ પરમાર
(ઉં.વ.26, રહે. ચિત્રોડ ગિર) સાથે સાઈડ આપવા બાબતે બોલાચાલી થઈ હતી.
ત્યારબાદ
બાઈકચાલકે કારનો પીછો કરી રમળેચી ગિર બસ સ્ટેન્ડ પાસે કાર અટકાવી હતી. ત્યાં મિલન પટાટ
(રહે. પીપળવા ગિર) સહિત સાતથી આઠ શખસે બંને ભાઈઓને કારમાંથી ઉતારી ગાળો આપી ઢીકાપાટુનો
માર માર્યાનો આક્ષેપ છે. આ દરમિયાન રવિરાજને માથામાં કાચ વાગતાં ગંભીર ઈજા થઈ હતી.
પ્રાથમિક સારવાર બાદ તેમને વેરાવળ રીફર કરાયા હતા. પોલીસે બંને પક્ષની ફરિયાદ લઈ અજાણ્યા
શખસો સહિત કુલ દસ સામે ગુનો નોંધી હેડ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ વાળાએ તપાસ હાથ ધરી છે.