છ સામે નવની બહુમતિથી આદેશ અપાયો ઃ રોહિંગ્યાને સ્વદેશ પરત ફરવાની મંજૂરી આપવા, વળતર અને સહાય મળે તેવો ચુકાદો
નવી દિલ્હી, તા. 20 ઃ યુનાઈટેડ નેશન (યુએન)ની એક ટોપ કોર્ટે રોહિંગ્યા સમુદાય અંગે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. ઈન્ટરનેશનલ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું છે કે મ્યાંમારે 2017માં સૈન્ય અભિયાન દરમિયાન રોહિંગ્યા અલ્પસંખ્યક સમુદાય ઉપર નરસંહાર કર્યો હતો. કોર્ટે દક્ષિણપૂર્વ એશિયન દેશ મ્યાંમારને હિંસાના કારણે પલાયન થયેલા લોકોને સ્વદેશ પરત ફરવાની અનુમતિ આપવાનો આદેશ આપ્યો હતો.
ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસના અધ્યક્ષ યૂજી ઈવાસાવાએ કહ્યું છ સામે નવ ન્યાયાધીશોએ બહુમતથી ચુકાદો આપ્યો છે કે મ્યાંમારે ઉત્તરી રખાઈન પ્રાંતમાં રોહિંગ્યા સમુદાય સામે નરસંહાર કર્યો છે અને આવા નરસંહાર રોકવા સંબંધિત સંધિ હેઠળ પોતાની જવાબદારીઓનું ઉલ્લંઘન કર્યું છે. કોર્ટની 15 જજની બેંચે મ્યાંમારની દલીલોને ફગાવી હતી કે 2017માં ચલાવવામાં આવેલું સૈન્ય અભિયાન વિદ્રોહીઓ સામે એક વૈધ કાર્યવાહી હતી. આ બેંચમાં પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય જજ નવી પિલ્લઈ પણ સામેલ હતા. જેઓને ગત મહિને નોબેલ શાંતિ પુરસ્કાર આપવાની ઘોષણા થઈ હતી.
સુનાવણી પછી માહોલ ભાવુક બન્યો હતો. ચુકાદાને સાંભળીને હજારો કિલોમીટર દૂરથી આવેલા રોહિંગ્યા સમુદાયના લોકો અને વકીલો એકબીજાને ગળે મળીને રડવા લાગ્યા હતા. રોહિંગ્યા અધિકાર કાર્યકર્તા યાસ્મીન ઉલ્લાહે કહ્યું હતું કે, આ રોહિંગ્યા લોકો માટે મોટો દિવસ છે.