• સોમવાર, 26 ઑક્ટોબર, 2026

ઓછા વરસાદવાળા વિસ્તારોમાં અછત જાહેર કરવા સરકાર તૈયાર : બાવળિયા

જરૂરિયાત ઊભી થશે તો સરવેના આધારે નિર્ણય લેવાની તૈયારી દર્શાવી

રાજકોટમાં સરસ મેળાનાં ઉદ્ઘાટન પ્રસંગે ખેડૂતો અને પશુપાલકોને સહાય અંગે સ્પષ્ટતા

(ફૂલછાબ ન્યુઝ)

રાજકોટ, તા.25 : સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ઓછા વરસાદને કારણે ખેડૂતો અને પશુપાલકોમાં ચિંતા વધી રહી છે. આવા સંજોગોમાં જરૂર પડશે તો અછત જાહેર કરવા સરકાર તૈયાર હોવાનું કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું છે. રાજકોટના રેસકોર્સ ખાતે રાષ્ટ્રીય સરસ મેળાના ઉદ્ઘાટન પ્રસંગે તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, ઓછો વરસાદ પડયો હોય તેવા વિસ્તારોમાં સરકારી યોજનાઓનાં અમલીકરણની પૂર્વ તૈયારીના ભાગરૂપે સર્વે કરાવી લેવામાં આવ્યો છે. ભવિષ્યમાં જરૂરિયાત ઊભી થશે તો સર્વેના આધારે યોગ્ય નિર્ણય લેવામાં આવશે.

દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતો અને પશુપાલકોની માગ અંગે મંત્રીએ જણાવ્યું હતુ કે, રાજ્ય સરકાર આ બાબતે હકારાત્મક અભિગમ ધરાવે છે. હાલમાં જ્યાં જરૂરિયાત છે ત્યાં જિલ્લાવાર ઘાસચારો અને વધારાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. સર્વેમાં સામે આવતી સ્થિતિ અને સ્થાનિક જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આગળની કાર્યવાહી કરવામાં આવશે. ઓછા વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહતની આશા રાખતા ખેડૂતો માટે સરકારનું આ નિવેદન મહત્ત્વનું બન્યું છે.

આ પ્રસંગે મંત્રીએ રાજકોટમાં ‘સરસ મેળા-2026’નો પ્રારંભ કરાવ્યો હતો. 5 નવેમ્બર સુધી ચાલનારા આ મેળામાં 13 રાજ્યનાં 154 સ્વસહાય જૂથો જોડાયાં છે. રાજકોટ જિલ્લાના 43 સખીમંડળો સહિતની મહિલાઓએ તૈયાર કરેલી વિવિધ ચીજવસ્તુઓનાં વેચાણ માટે આશરે 160 સ્ટોલ ઊભા કરાયા છે. પરંપરાગત કળા, હસ્તકલા અને ઘરવપરાશની વસ્તુઓ ખરીદદારો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. મંત્રીએ કહ્યું હતુ કે, સખીમંડળોની બહેનોનાં ઉત્પાદનોને સ્થાનિક બજારથી આગળ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડવા સરકાર પ્રયાસરત છે. માર્કાટિંગ સહાય માટે રૂ.25 કરોડની જોગવાઈ કરાઈ છે. મેળામાં પાંચ સ્વસહાય જૂથોને રૂ.22 લાખની કેશ ક્રેડિટ લોન તથા એક ક્લસ્ટર ફેડરેશનને રૂ.3.50 લાખનું સ્ટાર્ટઅપ ફંડ અપાયું હતું. જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશે નાગરિકોને મેળાની મુલાકાત લઈ સ્થાનિક ઉત્પાદનો ખરીદવા અને મહિલાઓના સ્વરોજગારને પ્રોત્સાહન આપવા અપીલ કરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક